હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે નવી દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપના કાર્યકરોને સંબોધતા કહ્યું કે હરિયાણામાં ભાજપની જીત ગીતાની ધરતી પર સત્ય અને વિકાસની જીત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે બધાએ સાંભળ્યું છે કે  'જહાં દૂધ દહીં કા ખાના, વૈસા હૈ અપના હરિયાણા'.હરિયાણાના લોકોએ ફરી કમાલ કર્યો અને કમલ-કમલ કરી દિધું. 


પીએમ મોદીએ કહ્યું કે આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે અને આ માતા કાત્યાયનીનો દિવસ છે, જેમના હાથમાં પણ કમળનું ફૂલ છે. ગીતાની ભૂમિ પર વિજય પ્રાપ્ત થયો છે. આ ભારતના બંધારણ અને લોકશાહીની જીત છે. જમ્મુ-કાશ્મીરમાં લોકોએ એનસી અને કોંગ્રેસના ગઠબંધનને વધુ સીટો આપી છે, હું તેમને શુભેચ્છા પાઠવું છું. ત્યાં પણ ભાજપ વોટ શેરની દ્રષ્ટિએ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે.






પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હરિયાણાની રચના બાદ દર પાંચ વર્ષે સરકાર બદલાઈ છે. આ પહેલીવાર છે જ્યારે જનતાએ એવી પાર્ટીને મત આપ્યો કે જેણે ત્રીજી વખત બે પાંચ વર્ષની મુદત પૂરી કરી હોય. આવું પહેલીવાર બન્યું. એવું લાગે છે કે હરિયાણાના લોકોએ છપ્પરફાડ મતદાન કર્યું હતું.


પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસની હાલત એવી છે કે છેલ્લી વખત સરકાર ક્યારે પરત આવી તે ખબર નથી. આસામમાં એક વખત સરકાર વાપસી કરી હતી પરંતુ તે પછી કોંગ્રેસ વાપસી કરી શકી નથી. દેશમાં એવા ઘણા રાજ્યો છે જ્યાં કોંગ્રેસ ફરી સત્તામાં આવી શકી નથી.






પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશ જોઈ રહ્યો છે કે કોંગ્રેસે કેવી રીતે જાતિનું ઝેર ફેલાવવાનું શરૂ કર્યું છે. જે લોકો ચાંદીની ચમચી સાથે જન્મ્યા છે તેઓ જાતિના નામે લોકોને લડાવી રહ્યા છે. કોંગ્રેસે જ દલિતો અને પછાત વર્ગો પર સૌથી વધુ અત્યાચાર કર્યા છે.