નવી દિલ્હીઃ ટ્વિટરે (Twitter) કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું એકાઉન્ટ ફરી પૂર્વવત કર્યું છે. રાહુલ ગાંધીએ દિલ્હીની નવ વર્ષની દુષ્કર્મ પીડિતાના પરિવારની તસવીર પોસ્ટ કર્યા બાદ ટ્વિટ કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરી દીધું હતું. ત્યારબાદ તેને લોક મારી દેવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, અન્ય કોંગ્રેસી નેતાઓ કે જેમના ટ્વિટર હેન્ડલ આ તસવીર શેર કરવા માટે બંધ હતા તેમને પણ પૂર્વવત કરવામાં આવ્યા છે.


કોંગ્રેસના એક પદાધિકારીએ કહ્યું કે રાહુલ ગાંધી સાથે પાર્ટીના કેટલાક અન્ય નેતાઓએ પણ આ તસવીર શેર કરી હતી. ટ્વિટર દ્વારા આ નેતાઓના ટ્વિટર હેન્ડલ્સને પણ લોક કરી દેવામાં આવ્યા હતા. બધા હેન્ડલ હવે અનલોક થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય નેતાઓના હેન્ડલ્સને લોક માર્યા બાદ કોંગ્રેસે પણ ટ્વિટર પર હુમલો કર્યો હતો. કોંગ્રેસે રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલને કામચલાઉ ધોરણે સસ્પેન્ડ અને પછી લોક કરવાની માહિતી આપી હતી.


ફેસબુક ઇન્ડિયાના પ્રમુખને NCPCRનું સમન્સ


નોંધનીય છે કે, રાહુલ ગાંધી કેસમાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ ફેસબુક ઈન્ડિયાના વડા સત્ય યાદવને સમન્સ પાઠવ્યું છે. NCPCRએ સત્ય યાદવને 17 ઓગસ્ટના રોજ હાજર થવા કહ્યું છે. એનસીપીસીઆરએ ફેસબુકને નોટિસ મોકલીને રાહુલ ગાંધીના ઇન્સ્ટાગ્રામ પર બળાત્કાર પીડિતાના સગાની ઓળખ દર્શાવતી પોસ્ટને દૂર કરવા કહ્યું હતું. પરંતુ કમિશનના જણાવ્યા મુજબ ફેસબુકે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી છે કે નહીં તે અંગે કમિશનને કોઈ માહિતી આપી નથી.


રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ લોક થાય તે પહેલા જ હંગામો થયો છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે ટ્વિટર પાસેથી કાર્યવાહીની માંગ કરી હતી. NCPCRની ફરિયાદ બાદ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.