દિલ્હીની શાહદરા પોલીસે એક વિદેશી નાગરિકની ધરપકડ કરી છે. જે લગ્નની લાલચ આપી 100થી વધારે મહિલાઓ પાસેથી 25 કરોડની ઠગાઈ કરી ચુક્યો છે. પોલીસે માસ્ટર માઇન્ડનો સાથે આપનારા બે અન્ય આરોપીઓની પણ ધરપકડ કરી છે. આ લોકો મહિલાઓનો મેટ્રિમોનિયલ વેબસાઇટ દ્વારા સંપર્ક કરતા હતા. આરોપી ઓનલાઇન ફ્રેન્ડશિપ કરતા હતા જે બાદ અલગ-અલગ બહાનાથી રૂપિયા પડાવતા હતા અને કામ પતિ ગયા બાદ વાત કરવાનું બંધ કરી દેતા હતા.


આ રીતે ફૂટ્યો ભાંડો


થોડા દિવસો પહેલા શાહદરા જિલ્લાના જગતપુરી વિસ્તારની એક 35 વર્ષીય મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી કે મેટ્રિમોનિયલ વેબસાઇટ દ્વાર મનમીન નામના વ્યક્તિ  સાથે સંપર્ક થયો હતો. જે બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને ચેટિંગ પણ શરૂ થયું. અચાનક મનમીતે મહિલાને કહ્યું કે તે કોઈ પરેશાનીમાં ફસાયો છે અને તેના બેંક એકાઉન્ટને ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે અને રૂપિયાની ખાસ જરૂર છે. આ સાંભળીને મહિલાએ થોડા પૈસા તેના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા.


મહિલાએ ઘરેણા ગિરવે રાખીને આપ્યા રૂપિયા


જે બાદ કોઈને કોઈ બહાને કરીને તેમણે આ મહિલા પાસેથી લગભગ 15 લાખ ખેંખરી લીધા. મહિલાએ તેના સોનાના દાગીના ગિરવે રાખીને રૂપિયા આપ્યા હતા. મહિલાએ ફરિયાદમાં પોલીસને જણાવ્યું કે, આ વ્યક્તિને રૂપિયા આપ્યા બાદ તેણે સંપર્કો કોપી નાંખ્યા હતા. મહિલાની ફરિયાદના આધારે પોલીસે એફઆઈઆર નોંધી તપાસ કરતાં જેના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે દિલ્હીનો હોવાનું સામે આવ્યું હતું.




35 થી 40 વર્ષની મહિલાઓને બનાવતાં ટાર્ગેટ


પોલીસે પુરાવાના આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ પકડમાં આવેલા આરોપીઓમાં બે વિદેશી નાગરિક અને એક દિલ્હીનો રહેવાસી છે. જેનું કામ કેશ તેના એકાઉન્ટમાં જમા કરાવી કમીશન કાપીને આગળ આપવાનું હતું. આરોપીઓના નામ લોરેંસ ચિકે, ઔટુંડે ઓકુન્ડ તથા દીપક છે.


પોલીસ તપાસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે બંને વિદેશી નાગરિક અલગ અલગ મેટ્રોમોનિયલ વેબસાઇટ પર એનઆરઆઈના નામથી પ્રોફાઇબ બનાવતા હતા. પ્રોફેશન તરીકે ખુદને ડોક્ટર અને એન્જિનિયર ગણાવતાં હતા. તેમના નિશાના પર 35 થી 40 વર્ષની મહિલાઓ જ હતી. તેઓ મહિલાઓનો વિશ્વાસ જીતીને મુસીબતમાં ફસાયા હોવાનું જણાવી રૂપિયા પડાવતાં હતા. પૈસા મળતાં જ તેઓ આ રૂપિયા નાઇઝિરિયા તેમના પરિવારજનોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતા હતા.