Udaipur Killing: રાજસ્થાનના ઉદયપુરમાં એક દરજીની ધોળા દિવસે ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી, એટલુ જ નહીં તાલિબાની સ્ટાઇલે હત્યા કરનારાઓએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર જાહેર કરીને ધાકધમકી પણ આપી હતી. આ ઘટના બાદ સમગ્ર રાજસ્થાન અને દેશના અન્ય શહેરોમાં તેના પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. આ દરમિયાન અજમેર દરગાહના દીવાન જૈનુલ આબેદીન અલી ખાને ઘટનાની નિંદા કરતા કહ્યું, ભારતના મુસલમાન દેશમાં કયારેય તાલિબાની માનસિકતાનો સ્વીકાર નહીં કરે.
અજમેર દરગાહના દીવાન ખાને એક નિવેદનમાં કહ્યું કે કોઈ પણ ધર્મ માનવતા વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપતો નથી, ખાસ કરીને ઈસ્લામમાં તમામ ઉપદેશો શાંતિના સ્ત્રોત તરીકે કામ કરે છે. ખાને કહ્યું કે આરોપીઓ કેટલાક કટ્ટરવાદી જૂથોનો ભાગ છે જે હિંસા દ્વારા ઉકેલ શોધે છે.
હત્યારાઓને સજા આપો : જમિયત ઉલેમા એ હિન્દ
ભારતના ટોચના મુસ્લિમ સંગઠનોમાં સામેલ જમિયત ઉલેમા-એ-હિન્દે ઉદયપુર હત્યાકાંડની આકરા શબ્દોમાં ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ હત્યાકાંડ ઇસ્લામની વિરુદ્ધમાં છે. જે પણ હત્યા પાછળ જવાબદાર હોય તેમને આકરી સજા આપવામાં આવે. જમિયતના જનરલ સેક્રેટરી મૌલાના હકીમુદ્દીન કાસ્મીએ એક નિવેદન આપી જણાવ્યું હતું કે આ હત્યાકાંડ ઇસ્લામ અને કાયદાની વિરુદ્ધમાં છે. કોઇને પણ કાયદો હાથમાં લેવાની સત્તા નથી. સાથે જ દેશભરમાં શાંતિની તેઓએ અપીલ પણ કરી હતી. ઇસ્લામના અપમાન બદલ આ હત્યા કરી હોવાનો દાવો કરતો એક વીડિયો જારી થયો હતો, જે બાદ જમિયત દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું અને હત્યારાઓનું સમર્થન ન કરવા લોકોને અપીલ કરી હતી.
શું છે મામલો
દયપુરના રહેવાસી કન્હૈયાલાલ તેલી સિલાઇકામ કરે છે, તેઓ મંગળવારે રાબેતા મુજબ પોતાની દુકાને ગયા હતા અને પોતાનું કામ કરી રહ્યા હતા. એવામાં બે શખ્સો સિલાઇકામ કરાવવાના બહાને દુકાનમાં પ્રવેશ્યા હતા, કન્હૈયાલાલ કઇ સમજે તે પહેલા જ આ બન્ને શખ્સોએ તેને પકડીને એક ચાકુથી તેમનું ગળુ કાપીને હત્યા કરી દેવાઇ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી હત્યારાઓએ તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ધમકી આપી હતી. પોલીસ વિભાગના એડિશનલ ડાયરેક્ટર હવાસિંઘ ઘુમારીયાએ કહ્યું હતું કે એક પણ હત્યારાને બક્ષવામાં નહીં આવે. સાથે તેઓએ લોકોને અપીલ કરી હતી કે હત્યાનો આ વીડિયો લોકો ન જોવે કે કોઇને શેર ન કરે.
બીજી બાજુ ઉદયપુરમાં દરજીની જાહેરમાં હત્યા કર્યા બાદ હત્યારાઓએ સોશિયલ મીડિયા પર જે વીડિયો પોસ્ટ કર્યો તેમાં તેઓએ દાવો કર્યો હતો કે ઇસ્લામના અપમાનનો બદલો લેવા આ હત્યા કરી છે. એવા અહેવાલ છે કે આ હત્યાકાંડ પાછળ આતંકવાદીઓ જવાબદાર હોઇ શકે છે. જેને પગલે ગૃહ મંત્રાલય દ્વારા એનઆઇએની એક ટીમને ઉદયપુર રવાના કરવામાં આવી છે. જે આ હત્યાકાંડના આતંકી એંગલથી તપાસ કરશે. સાથે જ આ કેસને એનઆઇએને સોપવામાં આવી શકે છે. એક અધિકારીએ જણાવ્યંુ હતું કે પ્રાથમિક દ્રષ્ટીએ આ હત્યાકાંડ આતંકી કૃત્ય લાગી રહ્યું છે. જ્યારે વીડિયો પોસ્ટ કરનારા અને હત્યાની જવાબદારી લેનારાઓની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવાઇ છે.
રિયાઝે ગળુ કાપ્યું, સાથીએ વીડિયો બનાવ્યો
પોલીસે જણાવ્યું હતું કે બે હુમલાખોરો પૈકી એક મોહમ્મદ રિયાઝ અખ્તરે કન્હૈયા લાલનું ગળુ કાપી હત્યા કરી હતી જ્યારે તેની સાથે આવેલા અન્ય શખ્સે સમગ્ર હત્યાનો વીડિયો બનાવ્યો હતો. બાદમાં આ વીડિયોને અન્ય એક ધમકી આપતા વીડિયોની સાથે સોશિયલ મીડિયા પર જારી કર્યો હતો, જે બાદ સમગ્ર મામલો આગની જેમ ફેલાયો હતો.