મુંબઈઃ શિવસેનાની ગઠબંધન સરકારે એક મહત્ત્વનો નિર્ણય કરતાં મુસલમાનોને શિક્ષણ અને નોકરીમાં અનામત આપવા માટે વટહૂકમ લાવવાની જાહેરાત કરી છે. અનાતમને લઈને નવાબ મલિકે કહ્યું કે, આજે અમે છેલ્લી સરકારના મુસલમાનોને શિક્ષણ સંસ્થાઓમાં 5 ટકા અનામત આપવાના નિર્ણયને માન્યતા આપી છે. સરકારી શાળા, કોલેજમાં અનામત આપવાને લઈને હાઈકોર્ટે માન્યતા આપી હતી. તેમણે કહ્યું કે, નોકરી અને પ્રાઈવેટ શાળામાં અનામત આપવા પર સરકાર વિચાર કરી રહી છે. જણાવીએ કે, રાજ્યમાં કોંગ્રેસ-એનસીપી અને શિવસેના ગઠબંધનની સરકાર છે.


નવાબ મલિકે કહ્યું કે, “મુસ્લિમ સમુદાય માટે શૈક્ષણિક અનામત પર હાઈકોર્ટે જે સહમતિ દર્શાવી છે તેને જોતા મહારાષ્ટ્ર વિકાસ ગઠબંધન સરકાર ટૂંકમાં જ એક કાયદો બનાવીને મુસ્લિમ અનામતને લાગુ કરવાનો પ્રયત્ન કરી રહી છે.”

અનામતને લઈને ભાજપનું નિવેદન

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, તેની પાર્ટી ભાજપ આ અનામતનો વિરોધ કરશે. તેમણે કહ્યું કે, અમારી પર્ટી ધર્મના આધારે કોઈપણ અનામતનો વિરોધ કરશે.

તેમણે કહ્યું કે, “કોઈપણ અનામત જે બંધારણ વિરૂદ્ધ છે, તેનો વિરોધ કરવો જોઈએ. મુસલમાનોને ધર્મના આધારે અનામત આપવામાં આવી રહી છે. માટે અમે આ અનામતનો વિરોધ કરીશું કારણ કે આ બંધારણ વિરોધી છે. અમે એવી કોઈપણ વસ્તુનું સમર્થન નહીં કરીએ જે બંધારણ વિરોધી હશે.”

વર્ષ 2014માં શિવસેનાએ કર્યો હતો વિરોધ

જણાવીએ કે, વર્ષ 2014 પહેલા જ્યારે કોંગ્રેસ અને એનસીપીની સરકાર હતી ત્યારે મરાઠા માટે 16 અને મુસલમાનો માટે 5 ટકા અનામતની જોગવાઈનો વટહૂકમ કરવામાં આવ્યો હતો. ચૂંટણી થઈ, ત્યારે ભાજપ અને શિવસેના ગઠબંધનની સરકાર સત્તામાં આવી હતી.

નવી સરકાર બન્યા બાદ મરાઠા અનામત તો રાખવામાં આવી, પરંતુ મુસલમાનો માટે અનામત પર કોઈ નિર્ણય ન લેવામાં આવ્યો. સરકારના આ નિર્ણય બાદ વટહૂકમની મર્યાદા ખત્મ થઈ ગઈ. જ્યારે સરકારે આ નિર્ણય લીધો હતો ત્યારે ભાજપની સાથે શિવસેના સત્તામાં ભાગીદાર હતી.