Udhampur Encounter: સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના બ્રટ્ટલ વિસ્તારમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. પ્રતિકૂળ હવામાન, દુર્ગમ ભૂપ્રદેશ અને ઓછી વિઝિબિલિટી હોવા છતાં આ આતંકવાદ-વિરોધી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન હાલમાં ચાલુ છે અને વિસ્તારમાં સર્ચ તથા દેખરેખની કામગીરી ચાલી રહી છે.
સિક્રેટ માહિતી મળ્યા બાદ શરૂ થયું ઓપરેશન
સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, 16 અને 17 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ ગુપ્ત માહિતી મળી હતી કે ઉધમપુરના બ્રત્તલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા છે. ત્યારબાદ આ વિસ્તારમાં લક્ષિત આર્મી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
હવામાન ખરાબ હોવાની સાથે વિસ્તારની ભૌગોલિક સ્થિતિ પણ પડકારજનક હતી. ઓછી વિઝિબિલિટી હોવા છતાં વ્હાઇટ નાઇટ કોર્પ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના જવાનોએ સંયુક્ત રીતે ઓપરેશન ચલાવ્યું હતું.
ઓપરેશન દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા
સુરક્ષા દળોએ જણાવ્યું કે ઓપરેશન દરમિયાન બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જોકે, માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ અને તેઓ કયા સંગઠન સાથે જોડાયેલા હતા તેની માહિતી હજુ સુધી સત્તાવાર રીતે સામે આવી નથી.
સ્થાનિક રિપોર્ટો અનુસાર, ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર પણ થયો હતો. વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન હથિયારો અને દારૂગોળો પુષ્કળ પ્રમાણમાં જપ્ત કરવામાં આવ્યો હોવાની માહિતી પણ સામે આવી છે.
વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ
સુરક્ષા દળોએ જણાવ્યું કે ઓપરેશન હજુ પૂર્ણ થયું નથી. વિસ્તારમાં અન્ય કોઈ ખતરાની હાજરી તપાસવા માટે સતત સર્ચ અને સર્વેલન્સ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળો સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન સાથે કડક નજર રાખી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વર્ષ 2026 માં જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં 15 આતંકવાદી ઘટનાઓ બની છે. જેમાં 15 આતંકવાદીઓ ઠાર થયા છે, જ્યારે 2 સુરક્ષાકર્મીઓએ પણ શહાદત વહોરી છે. એટલું જ નહીં, 3 નાગરિકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે.
