Muslim Hostel Sealed : ઉત્તર પ્રદેશમાં ઉમેશ પાલ હત્યાકાંડમાં યોગી સરકારે સપાટો બોલાવ્યો છે. પ્રયાગરાજમાં ઉમેશ પાલ અને તેના બે સરકારી ગનર્સની હત્યાને દસ દિવસ વીતી ગયા છે. આ મામલે હત્યાઆઓને ઝડપી પાડવા યુપી પોલીસ મોટાપાયે ઓપરેશન ચલાવી રહી છે. પોલીસ સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં એક શૂટર અને મદદગાર માર્યા ગયા છે. સાથે અતિક અને ગેંગની મિલકતો પર પણ બુલડોઝર ફરી વળ્યું છે. પોલીસ-પ્રશાસન હવે અલ્હાબાદ યુનિવર્સિટીની મુસ્લિમ હોસ્ટેલ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી છે.
પોલીસ-પ્રશાસન આકરી કાર્યવાહી કરતા અલ્હાબાદ યુનિવર્સિટીની મુસ્લિમ હોસ્ટેલને સીલ કરી દીધી છે. આ કાર્યવાહી મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ અને અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી હતી.
હોસ્ટેલના રૂમ નંબર-36માં કાવતરું ઘડવામાં આવ્યું હતું
નોંધપાત્ર વાત એ છે કે, હત્યા કેસનો એક આરોપી સદાકત ખાન આ હોસ્ટેલમાં રહેતો હતો. પોલીસનો દાવો છે કે, ઉમેશ પાલની હત્યા કરવા માટે હોસ્ટેલના રૂમ નંબર-36માં મીટિંગ યોજાઈ હતી. ભૂતકાળમાં પ્રયાગરાજ પોલીસ કમિશનર રમિત શર્માએ કહ્યું હતું કે, હત્યાનું કાવતરું મુસ્લિમ હોસ્ટેલના રૂમમાં ઘડવામાં આવ્યું હતું. આ ઘટનામાં સામેલ કાવતરાખોર સદાકત ખાનના પુત્ર શશમશાદ ખાનની ઉત્તર પ્રદેશ એસટીએફ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તે ગાઝીપુરનો રહેવાસી છે અને એલએલબીનો વિદ્યાર્થી હોવાનું કહેવાય છે. જે મુસ્લિમ હોસ્ટેલમાં રહેતો હતો.
ઉમેશ હત્યામાં વિજય ઉર્ફે ઉસ્માન માર્યો ગયો, 10 દિવસમાં બીજું એન્કાઉન્ટર
ઉમેશ પાલની પ્લાનિંગ અને ષડયંત્ર રચીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં બોમ્બ એટલા માટે ફેંકવામાં આવ્યો હતો કારણ કે, લોકો ડરીને સ્થળ પરથી ભાગી જાય. શૂટરે સીસીટીવી કેમેરાના દાયરામાં આવવાથી બચવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલ પ્રયાગરાજ કોર્ટમાં જુબાની આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. તેની સાથે બે ગનર્સ હતા, પરંતુ ઉમેશ પાલ એ વાતથી તદ્દન અજાણ હતાં કે, એક ગાડી તેમનો પીછો કરી રહ્યું હતું.
ઉમેશ પાલની કાર શેરીમાં પહોંચતા જ તે કારમાંથી નીચે ઉતરે છે. આ સાથે જ ચારે બાજુથી ગોળીઓ વરસાવવામાં આવે છે. ઉમેશ પોતાનો જીવ બચાવવા શેરીમાં ભાગ્યો, ત્યાં સુધી તેના ગનર્સે પણ હુમલાખોરોને જવાબ આપવા માટે ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ જવાબ અપૂરતો સાબિત થયો અને બંનેના ઢીમ ઢાળી દેવામાં આવ્યા.
અસદ ઉમેશ પાલ પર ફાયરિંગ કરતો જોવા મળ્યો હતો
હત્યા કેસનો મુખ્ય આરોપી માફિયા ડોન અતીક અહેમદ છે, જેનો ત્રીજો પુત્ર અસદ ઉમેશ પાલ પર ફાયરિંગ કરતો જોવા મળ્યો હતો. શરૂઆતમાં તો પોલીસ અસદનું નામ જ લેવાતી બચતી હતી. પરંતુ થોડા દિવસ પહેલા જ પ્રયાગરાજ પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે, અસદ જ આ ઘટનાને અંજામ આપ્યો છે. તેના પર 2.5 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યું છે.