દુનિયાના ઘણા દેશોની પોલીસથી બચતા પણ દાઉદ ઈબ્રાહિમ પોતાને ગુપ્ત રાખી રહ્યો છે. સેંકડો કેસોમાં જેનું નામ છે એવા આ અંડરવર્લ્ડ ડોનનું પોલીસ, ઈન્ટરપોલ કંઈ બગાડી શકી નથી. દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલી નાની નાની બાબતો પણ અવાર નવાર ચર્ચાનો વિષય બને છે. પરંતુ દાઉદના પરિવાર વિશે બહુ ઓછા સમાચાર આવે છે. દાઉદના અફેરની પણ ઘણી વાતો ફેમસ છે, પરંતુ દાઉદના પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે.



દાઉદને પહેલી નજરે જ ઝુબીનાને થઈ ગયો હતો પ્રેમ

જો કે દાઉદ ઈબ્રાહિમનું નામ ઘણીવાર ઘણી યુવતીઓ સાથે જોડવામાં આવતું હતું. દાઉદના બીજા લગ્નના સમાચાર પણ થોડા સમય પહેલા સામે આવ્યા હતા, પરંતુ દાઉદના જીવનમાં માત્ર એક મહિલાએ જ પોતાનો અધિકાર જતાવ્યો અને તે હતી દાઉદની પત્ની ઝુબીના ઝરીન ઉર્ફે મહેજબીન. મેહજબીન દાઉદના જીવનમાં પ્રવેશનારી બીજી મહિલા હતી. અગાઉ દાઉદને સુજાતા નામની હિન્દુ યુવતી સાથે પ્રેમ હતો, પરંતુ સુજાતાના પરિવારે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. સુજાતાથી અલગ થયા બાદ ઝુબીના ઉર્ફે મેહજબીન દાઉદના જીવનમાં આવી હતી.

દાઉદને ઝુબીનાના હાથનું ભોજન ખુબ પસંદ

મહેજબીનના સાળા મુમતાઝની મુંબઈના એ જ વિસ્તારમાં દુકાન હતી જ્યાં દાઉદની હતી. ઝુબીના ઝરીન અને દાઉદ મુમતાઝના ઘરે મળ્યા હતા. મુમતાઝે દાઉદને તેના ઘરે ડિનર માટે બોલાવ્યો હતો. તે સમયે ઝુબીના ઉર્ફે મહેજબીન ત્યાં આવી હતી. મહેજબીને જ દાઉદ માટે ભોજન તૈયાર કર્યું હતું. તે દાઉદને ભોજન પીરસતી હતી અને દાઉદ તેની સુંદરતામાં મગ્ન હતો. કહેવાય છે કે, દાઉદને તેની પત્ની દ્વારા બનાવેલ મુર્ગ મુસલ્લમ એટલું પસંદ છે કે, તેને આ વાનગી બીજે ક્યાંય ખાવાનું પસંદ નથી. ત્યાર બાદ બંને અવારનવાર મળવા લાગ્યા. બંને મુંબઈમાં ચોપાટીના કિનારે મળતા હતા. વર્ષ 1990માં બંનેએ પરિવારના સભ્યોની સહમતિથી લગ્ન કર્યા હતા.

દાઉદે મોટી દીકરીને ધામધૂમથી પરણાવી

દાઉદ અને મહેજબીનને ચાર બાળકો હતા. ત્રણ દીકરીઓ માહરુખ ઈબ્રાહીમ, મહરીન ઈબ્રાહીમ, મારિયા ઈબ્રાહીમ જ્યારે એક પુત્ર મોઈન ઈબ્રાહીમ. દાઉદની મોટી પુત્રીના લગ્ન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર જુનૈદ સાથે વર્ષ 2014માં થયા હતા. દાઉદની બીજી પુત્રી મહરીને પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન અયુબ સાથે લગ્ન કર્યા હતા. દાઉદના પુત્રએ સાનિયા નામની છોકરી સાથે લગ્ન કર્યા હોવાનું કહેવાય છે જ્યારે દાઉદની સૌથી નાની પુત્રી મારિયાનું 1998માં અવસાન થયું હતું. દાઉદની મોટી દીકરી માહરુખના લગ્ન ખૂબ ચર્ચામાં હતા. દાઉદે તે લગ્ન ખૂબ ધામધૂમથી કર્યા હતા. લગ્નમાં દુનિયાભરમાંથી 500 મોટા લોકો સામેલ થયા હતા. જોકે ગેસ્ટ લિસ્ટ બહાર આવી શક્યું નહોતું.

દાઉદનો ભાઈ મુંબઈમાં જ

દાઉદ તેના પરિવાર ઉપરાંત તેના પાંચ ભાઈ-બહેનોની પણ ખૂબ નજીક છે. મુંબઈ વિસ્ફોટો બાદ દાઉદના બે ભાઈઓ અનીસ ઈબ્રાહીમ અને નૂરા ઈબ્રાહીમ તેની સાથે દુબઈ ભાગી ગયા હતા. વર્ષ 2007માં કરાંચીમાં બોમ્બ બ્લાસ્ટમાં નૂરાનું મોત થયું હતું. અન્ય ભાઈ અનીસ હજુ પણ દાઉદ સાથે છે. દાઉદના તમામ કાળા કામ પણ હવે અનીસ અને દાઉદની પત્ની મેહજબીન એકસાથે સંભાળે છે. દાઉદનો ત્રીજો ભાઈ ઈકબાલ હજુ પણ તેના પરિવાર સાથે મુંબઈમાં રહે છે. ઈકબાલ કાસકર પર મની લોન્ડરિંગનો પણ આરોપ છે.

દાઉદની બંને બહેનો મુંબઈમાં જ રહેતી

દાઉદની બે બહેનો હસીના પારકર અને સઈદા મુંબઈમાં જ રહેતી હતી. આ સિવાય એક ભાઈ ઈકબાલ પણ આજે પણ પરિવાર સાથે મુંબઈમાં રહે છે. દાઉદની બે બહેનો મૃત્યુ પામી છે. હસીના પારકરના પુત્રના લગ્ન વર્ષ 2017માં મુંબઈમાં થયા હતા. તેથી કહેવાય છે કે તે સમયે દાઉદની પત્ની મુંબઈ આવી હતી. થોડા સમય પહેલા દાઉદના ભત્રીજા અને હસીના પારકરના પુત્રએ પણ આ વાત સ્વીકારી હતી.

દાઉદનો બિઝનેસ ચલાવે છે તેની પત્ની

જો કે દાઉદ વિશે કોઈ નક્કર પુરાવા નથી, પરંતુ મીડિયામાં અવારનવાર સૂત્રોને ટાંકીને દાઉદ વિશેના કેટલાક સમાચારો સામે આવે છે. આ અહેવાલો અનુસાર માનવામાં આવે છે કે, દાઉદ લાંબા સમયથી પાકિસ્તાનમાં છે. દાઉદના ભત્રીજાએ થોડા સમય પહેલા પાકિસ્તાનમાં તેના બીજા લગ્નનો ખુલાસો કર્યો હતો. બીજી તરફ એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે, દાઉદની તબિયત હવે ઘણી વખત ખરાબ રહે છે અને તેથી દાઉદની પત્ની ઝુબીના ઝરીન તેના સાળા અનીસ સાથે મળીને દાઉદનો કાળો કારોબાર ચલાવી રહી છે.