UNDP India report 2026: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવની અસર માત્ર એ દેશો પૂરતી જ મર્યાદિત નથી રહી, પરંતુ તે ભારત માટે પણ એક માઠા સમાચાર લઈને આવી છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) ની સંસ્થા 'યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ' (UNDP) ના એક નવા રિપોર્ટ અનુસાર, આ વૈશ્વિક કટોકટી ભારતમાં લગભગ 25 લાખ લોકોને ગરીબી રેખા નીચે ધકેલી શકે છે. ભારત તેની ક્રૂડ ઓઈલ, ગેસ અને ખાતરની જરૂરિયાતો માટે મોટાભાગે મધ્ય પૂર્વ પર નિર્ભર હોવાથી, યુદ્ધના કારણે મોંઘવારી અને આર્થિક દબાણ વધવાની પૂરી શક્યતા છે. આ દબાણ સીધી રીતે સામાન્ય માણસના ખિસ્સા અને દેશના માનવ વિકાસ પર અસર કરશે.

દુનિયાભરમાં આર્થિક નુકસાન, 88 લાખ લોકો પર ખતરો

UNDP ના તાજેતરના રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પશ્ચિમ એશિયામાં વધી રહેલા લશ્કરી ખર્ચ અને સતત ચાલી રહેલા તણાવની અસર આખી દુનિયાના અર્થતંત્ર પર પડી રહી છે. આ યુદ્ધના કારણે દુનિયાભરમાં લગભગ 88 લાખ લોકો ગરીબીમાં ધકેલાઈ શકે છે. આર્થિક નુકસાનની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે આશરે 299 બિલિયન ડોલર (US$ 299 બિલિયન) નું સંભવિત નુકસાન થવાનો અંદાજ રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવ્યો છે.

ભારતમાં ગરીબીનો દર વધવાની ચિંતા

ભારત માટે આ રિપોર્ટના આંકડા ખૂબ જ ચિંતાજનક છે. રિપોર્ટ મુજબ, દેશમાં ગરીબીનો દર 23.9 ટકાથી વધીને 24.2 ટકા થઈ શકે છે. ટકાવારીમાં આ વધારો ભલે નાનો લાગતો હોય, પરંતુ તેનાથી 2,464,698 (લગભગ 25 લાખ) નવા લોકો ગરીબીમાં સરી જશે. આ કટોકટી પછી ભારતમાં ગરીબીમાં જીવતા લોકોનો કુલ આંકડો અગાઉના 351,569,000 થી વધીને 354,033,698 સુધી પહોંચી જવાની શક્યતા છે.

ભારત પર આટલી મોટી અસર કેમ થવાની છે?

આપણને સામાન્ય રીતે પ્રશ્ન થાય કે ત્યાં ચાલી રહેલા યુદ્ધથી આપણને આટલું મોટું નુકસાન કેમ? તો તેનું મુખ્ય કારણ આપણી મધ્ય પૂર્વના દેશો પરની નિર્ભરતા છે.

તેલ અને ગેસ: રિપોર્ટ મુજબ, ભારત તેની કુલ તેલની જરૂરિયાતના 90 ટકાથી વધુ હિસ્સો આયાત કરે છે. આ આયાતમાંથી 40 ટકા ક્રૂડ ઓઈલ અને 90 ટકા LPG (રાંધણ ગેસ) માત્ર પશ્ચિમ એશિયાના દેશોમાંથી જ આવે છે.

ખેતી માટે ખાતર: આટલું જ નહીં, દેશના ખેડૂતો માટે જરૂરી એવા 45 ટકાથી વધુ ખાતર પણ મધ્ય પૂર્વમાંથી જ મંગાવવામાં આવે છે.

આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે જ્યારે મધ્ય પૂર્વમાં અશાંતિ હોય, ત્યારે આપણી ઉર્જા અને ખેતીની જરૂરિયાતો પર સીધી અસર પડે છે, જે આખરે દેશમાં મોંઘવારી અને ગરીબી વધારે છે.