Barabanki kidney stone case: ઉત્તર પ્રદેશના બારાબંકીમાંથી તબીબી જગતને શર્મસાર કરતી અને કમકમાટી ઉપજાવતી ઘટના સામે આવી છે. અહીં એક ગેરકાયદે ક્લિનિક ચલાવતા કાકા-ભત્રીજાની જોડીએ એક મહિલા પર જીવલેણ પ્રયોગ કર્યો હતો. કિડનીની પથરીથી પીડાતી મહિલાનું ઓપરેશન કરવા માટે આ ઝોલાછાપ ડોક્ટરે મોબાઈલમાં 'YouTube' પર વીડિયો જોયો અને તે પ્રમાણે શસ્ત્રક્રિયા શરૂ કરી દીધી. પરિણામે, ખોટી નસો કપાઈ જવાને કારણે મહિલાનું કરૂણ મૃત્યુ થયું છે. આ ઘટના બાદ પોલીસે ક્લિનિક સીલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
પથરીના દુખાવાની સારવાર મોત બનીને ત્રાટકી
પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, આ હૃદયદ્રાવક ઘટના બારાબંકી જિલ્લાના કોઠી પોલીસ સ્ટેશન હદમાં આવેલા દફરાપુર માજરા સૈદાનપુર ગામમાં બની હતી. તેહ બહાદુર રાવત નામના વ્યક્તિની પત્ની મુનિશ્ર રાવત છેલ્લા થોડા સમયથી પથરીના દુખાવાને કારણે પીડાતી હતી. 5 ડિસેમ્બરના રોજ પરિવારજનો તેને સારવાર માટે સ્થાનિક 'શ્રી દામોદર ઔષધાલય' માં લઈ ગયા હતા. ત્યાં હાજર ક્લિનિક સંચાલક જ્ઞાન પ્રકાશ મિશ્રાએ તપાસ બાદ કહ્યું કે કિડનીમાં પથરી છે અને તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. ઓપરેશન માટે 25,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા અને પીડિતાના પતિએ 20,000 રૂપિયા જમા પણ કરાવ્યા હતા.
નશામાં ધૂત ડોક્ટર અને યુટ્યુબનું ઘાતક જ્ઞાન
મૃતકના પતિએ પોલીસ ફરિયાદમાં જે ખુલાસો કર્યો છે તે ચોંકાવનારો છે. આરોપ મુજબ, ઓપરેશનના ટેબલ પર જ્યારે મહિલાને લઈ જવામાં આવી ત્યારે ડોક્ટર જ્ઞાન પ્રકાશ મિશ્રા નશાની હાલતમાં હતો. તેણે મેડિકલ સાયન્સનું કોઈ જ્ઞાન ન હોવા છતાં મોબાઈલમાં YouTube ખોલ્યું અને 'પથરીનું ઓપરેશન કેવી રીતે કરવું' તેવો વીડિયો જોઈને મહિલાના પેટ પર કાપા મૂકવાનું શરૂ કર્યું. અધૂરા જ્ઞાન અને નશાને કારણે તેણે મહિલાના પેટમાં ઊંડા ચીરા પાડી દીધા અને શરીરની મહત્વની નસો કાપી નાખી. અસહ્ય રક્તસ્ત્રાવ અને ખોટી સારવારને કારણે બીજા જ દિવસે મહિલાએ દમ તોડી દીધો.
સરકારી નોકરીની આડમાં ચાલતું હતું ગેરકાયદે દવાખાનું
તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી જ્ઞાન પ્રકાશ મિશ્રાનો ભત્રીજો વિવેક કુમાર મિશ્રા રાયબરેલીની એક આયુર્વેદિક હોસ્પિટલમાં સરકારી કર્મચારી છે. તેની આડમાં આ કાકા-ભત્રીજાની જોડી વર્ષોથી ગેરકાયદેસર ક્લિનિક ચલાવી રહી હતી અને લોકોના જીવ સાથે રમત રમતી હતી.
પોલીસ અને આરોગ્ય વિભાગની કાર્યવાહી
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. સામુદાયિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકે તાત્કાલિક અસરથી ગેરકાયદે ક્લિનિકને સીલ મારી દીધું છે. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આરોપી કાકા-ભત્રીજા વિરુદ્ધ 'સદોષ માનવ વધ' (બિન-ઇરાદાપૂર્વક હત્યા) નો ગુનો નોંધીને તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ બંને આરોપીઓ ફરાર છે.