નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ભદોહીથી ભાજપના ધારાસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠી વિરુદ્ધ મહિલા પર બળાત્કાર મામલે એફઆઇઆર નોંધવામાં આવી છે. ફક્ત ધારાસભ્ય જ નહી પરંતુ તેમના ભત્રીજાઓ અને દીકરાઓ વિરુદ્ધ પણ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. એફઆઇઆર દાખલ કર્યા બાદ પોલીસ હવે તપાસમાં લાગી છે. એક વિધવા મહિલાએ એસપી સાથે મુલાકાત કરી કાર્યવાહીની માંગ કરી હતી.

પીડિત મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ભદોહીની એક હોટલમાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો. આ કેસમાં મહિલાએ ધારાસભ્ય અને તેમના પરિવારના અનેક લોકો પર આરોપ લગાવ્યા છે.

મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્યના ભત્રીજાએ તેને ભદોહીની એક હોટલમાં બંધક બનાવીને રાખી હતી અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના 2017 વિધાનસભા ચૂંટણી દરમિયાન કહેવામાં આવી રહી છે. કેસ દાખલ કર્યા બાદ ભદોહીના એસપીને ટ્રાન્સ કરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એસપી રામબદન સિંહે મીડિયાને કહ્યુ કે, મહિલાએ ભાજપના ધારાસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠી પર લગ્નનું વચન આપી બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. ધારાસભ્યની સાથે તેમના પરિવારના કેટલાક લોકોએ પણ તેના પર બળાત્કાર કર્યો હતો. થોડા દિવસ અગાઉ મહિલા તરફથી લેખિતમાં ફરિયાદ દાખલ કરાઇ હતી બાદમાં એફઆઇઆર નોંધવામાં આવી હતી.