UP By Polls 2024: ઉત્તર પ્રદેશમાં 10 વિધાનસભા બેઠકો પર યોજાનારી ઉપચૂંટણી પહેલાં સમાજવાદી પાર્ટીએ 6 વિધાનસભાઓ માટે પ્રભારીઓની નિમણૂક કરી છે. સમાજવાદી પાર્ટીના યુપી એકમના અધ્યક્ષ શ્યામલાલ પાલ દ્વારા જારી કરાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ દ્વારા સંગઠનાત્મક માળખાને મજબૂત બનાવવા માટે વિધાનસભા ક્ષેત્રોના ઉપચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રીય મહાસચિવ શિવપાલ સિંહ યાદવને અંબેડકર નગરની કટેહરી વિધાનસભાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે અયોધ્યાની બહુચર્ચિત બેઠક મિલ્કીપુર માટે ફૈઝાબાદના સાંસદ અવધેશ પ્રસાદ અને વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા લાલ બિહારી યાદવને પ્રભારી બનાવવામાં આવ્યા છે.


આ ઉપરાંત સપા સાંસદ વીરેન્દ્ર સિંહને મિર્ઝાપુરની મઝવાં વિધાનસભા, ચંદ્રદેવ યાદવને મૈનપુરીની કરહલ વિધાનસભા, ઇન્દ્રજીત સરોજને ફૂલપુર અને રાજેન્દ્ર કુમારને સીતામઉના પ્રભારી બનાવવામાં આવ્યા છે. સમાજવાદી પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલી આ યાદીથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે સમાજવાદી પાર્ટી 10માંથી 6 બેઠકો પર પોતાના જ ઉમેદવારોને ઉતારશે.


અજય રાયે કર્યો હતો આ દાવો


સપાના આ પત્રથી નિશ્ચિતપણે કોંગ્રેસને આંચકો લાગ્યો છે. યુપી કોંગ્રેસના પ્રભારી અજય રાયે ગયા દિવસોમાં કહ્યું હતું કે તેઓ પાંચ બેઠકોની માંગ કરી રહ્યા છે જેમાં તે વિધાનસભા ક્ષેત્રો સામેલ છે જ્યાં 2022ની ચૂંટણીમાં ભાજપે જીત નોંધાવી હતી.


અજય રાયના નિવેદનથી એ સ્પષ્ટ હતું કે કોંગ્રેસ મીરાપુર, ખૈર, મંઝવા, ફૂલપુર અને ગાઝિયાબાદ બેઠક પર દાવો કરી રહી હતી. જોકે આમાંથી બે બેઠકો મંઝવા અને ફૂલપુર પર સપાએ પ્રભારીઓની નિમણૂક કરી દીધી છે એવામાં હવે એ નક્કી છે કે કોંગ્રેસે લગભગ 3 બેઠકો પર જ સંતોષ માનવો પડશે.


સૂત્રોના જણાવ્યા અનુસાર સપા, કોંગ્રેસને ખૈર, ગાઝિયાબાદ અને મીરાપુર બેઠક આપવા માંગે છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે સપાના ઓફરને કોંગ્રેસ સ્વીકારે છે કે નહીં.


બેઠકો અને પ્રભારીઓની યાદી


શિવપાલ સિંહ યાદવ, ધારાસભ્ય રાષ્ટ્રીય મહાસચિવ સમાજવાદી પાર્ટી- કટેહરી (આંબેડકરનગર)
અવધેશ પ્રસાદ, એમપી રાષ્ટ્રીય મહાસચિવ સમાજવાદી પાર્ટી- મિલ્કીપુર (ફૈઝાબાદ)
લાલ બિહારી યાદવ વિપક્ષ વિધાન પરિષદના નેતા, યુપી, વિરેન્દ્ર સિંહ એમપી- માઝવાન (મિર્ઝાપુર)
ચંદ્રદેવ યાદવ પૂર્વ મંત્રી- કરહાલ (મૈનપુરી)
ઇન્દ્રજીત સરોજ, ધારાસભ્ય રાષ્ટ્રીય મહાસચિવ સમાજવાદી પાર્ટી- ફુલપુર (પ્રયાગરાજ)
રાજેન્દ્ર કુમાર, ધારાસભ્ય- સીસામૌ (કાનપુર નગર)


આ પણ વાંચોઃhttps://gujarati.abplive.com/news/india/goa-rss-chief-rajendra-bhobe-bjp-muslim-voters-enrolment-906662/amp