નવી દિલ્લી: ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં રહેતી લતિકા અને તાન્યા બંસલ નામની બે બહેનોએ મુખ્યમંત્રી અખિલેશ યાદવને પોતાના લોહીથી પત્ર લખીને ન્યાયની માંગ કરી છે. રિપોર્ટ પ્રમાણે, અખિલેશ યાદવે બંન્ને બહેનોને 10 લાખ રૂપિયાની આર્થિક મદદ, મકાન અને તેઓના મામાને નોકરીનું વચન આપ્યું છે.

બંન્ને બહેનોએ 14મી જૂનના રોજ પત્ર લખ્યો હતો. બંન્ને બહેનોએ પોતાની નજર સામે  જે જોયું તેને આજ સુધી ભૂલી શકી નથી. પત્રમાં લતિકા અને તેની નાની બહેન તાન્યાએ લખ્યુ કે મારી માતા અનુ બંસલને મારા જ પિતા દ્વારા અમારી આંખો સામે જીવતી સળગાવી દેવામાં આવી હતી. બાદમાં બંન્નેએ લોકોની મદદ માંગી, હેલ્પલાઈન નંબર પર કોલ કર્યો હતો પણ કોઈ મદદે આવ્યું નહોતું.

એ દિવસને યાદ કરતા લતિકા જણાવે છે કે એમ્બુલન્સ પર ફોન કરવા છતાં આવી નહોતી.  બાદમાં અમે મામાને ફોન કરી બોલાવ્યા અને માતાને હોસ્પિટલ લઇ જવાયા હતા. પરંતુ લતિકાની માતાનું 95 ટકા શરીર બળી જતાં તે મોતને ભેટી હતી. જો કે હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને પોલીસે આત્મહત્યાનો કેસ નોંધ્યો છે.

બંન્ને બહેનોના કહેવા પ્રમાણે તેમનો પરિવાર દીકરો ઇચ્છતો હતો જે નહીં હોવાના કારણે મારા પિતા કાકા અને દાદીએ સાથે મળી મારી માતાને જીવતી સળગાવી દીધી હતી. માતાના હત્યા પછી લતિકા અને તાન્યાએ પોતાના મામા સાથે શહેરના તમામ પોલીસ અધિકારીઓ પાસેથી ન્યાયની માંગ કરી પણ ઘણા દિવસો સુધી આ કેસમાં કોઈ ધરપકડ કરવામાં આવી નથી, અંતે બન્ને બહેનોએ પોતાના લોહીથી પત્ર લખીને યૂપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવથી ન્યાયની માંગ કરી છે. બુલંદશહર પોલીસના એએસપી રામમોહન સિંહે ટ્વીટર પર જણાવ્યું હતું કે ફરિયાદ નોંધાવ્યા પછી પીડિતાના પતિની ધરપકડ કરવામાં આવી છે.