UPI In Mauritius-Sri Lanka: ભારતનું યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે UPI વૈશ્વિક બની રહ્યું છે અને ઘણા દેશોએ તેને અપનાવવામાં રસ દાખવ્યો છે. આ અંતર્ગત લોકો મોરેશિયસ અને શ્રીલંકામાં પણ UPI નો ઉપયોગ કરી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બંને દેશોમાં આ સેવાની શરૂઆત કરી હતી. દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનૌથની સાથે ત્રણેય દેશોના સેન્ટ્રલ બેન્કના ગવર્નરો પણ હાજર રહ્યા હતા.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 'હિંદ મહાસાગર ક્ષેત્રમાં ત્રણ મિત્ર દેશો માટે આજનો દિવસ ખાસ છે. આજે આપણે આપણા ઐતિહાસિક સંબંધોને આધુનિક ડિજિટલ રીતે જોડી રહ્યા છીએ. આ આપણા લોકોના વિકાસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ફિનટેક કનેક્ટિવિટીના માધ્યમથી માત્ર ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શન જ નહીં પરંતુ ક્રોસ બોર્ડર કનેક્શન્સ પણ મજબૂત થશે. ભારતનું યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે UPI હવે એક નવી જવાબદારી નિભાવી રહ્યું છે – યુનાઇટિંગ પાર્ટનર્સ વિથ ઇન્ડિયા
UPI સાથે રુપે કાર્ડની સુવિધા
વિદેશ મંત્રાલયે રવિવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને વધુ જાણકારી આપી હતી. શ્રીલંકા અને મોરેશિયસમાં UPI સેવાઓ શરૂ થયા બાદ બંને દેશોના લોકો પોતપોતાના સ્થળોએ તેનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત ભારતથી મોરેશિયસ અને શ્રીલંકા જતા પ્રવાસીઓ અને ત્યાંથી ભારત આવતા પ્રવાસીઓ પણ આના દ્વારા પેમેન્ટ કરી શકશે. મોરેશિયસમાં માત્ર UPI જ નહીં પરંતુ RuPay કાર્ડ સેવા પણ શરૂ કરવામાં આવી છે.
UPIની શરૂઆત 2016માં થઈ હતી
ભારતના યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)ની લોકપ્રિયતા સતત વધી રહી છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત આ સેવા મોદી સરકારે 2016માં શરૂ કરી હતી. તેણે પૈસાની લેવડદેવડ દ્વારા ઓનલાઈન પેમેન્ટ ખૂબ જ સરળ બનાવ્યું છે. UPI સરળ રીતે સીધા બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા પૂરી પાડે છે. તે રીઅલ-ટાઇમ ફંડ ટ્રાન્સફર માટે સક્ષમ છે અને તેને IMPS મોડલથી વિકસાવવામાં આવ્યું છે.
ફ્રાન્સ અને સિંગાપોર સહિત અનેક દેશોમાં એક્ટિવ
શ્રીલંકા અને મોરેશિયસમાં UPIની શરૂઆત પહેલા ભારતીય પેમેન્ટ સિસ્ટમ ફ્રાન્સ, સિંગાપોર, UAE, નેપાળ, ભૂતાનમાં એક્ટિવ છે. નોંધનીય છે કે UPIની શરૂઆત બાદ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે. દર વર્ષે તેમાં વધારો થઈ રહ્યો છે અને NPCIના આંકડાઓ જોઈને તેનો અંદાજ લગાવી શકાય છે. આ મુજબ, ગયા વર્ષે ડિસેમ્બર 2023માં પણ UPI દ્વારા 18.23 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ ટ્રાન્ઝેક્શન થયું હતું, જે અગાઉના વર્ષ 2022ના સમાન સમયગાળા કરતાં 54 ટકા વધુ હતું.