નવી દિલ્હીઃ કોગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં પાર્ટીના સાંસદોએ સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન પર હુમલો કરવાના દાવાઓને ફગાવતા કહ્યું કે, આ બધુ ડ્રામા હતું. સરકાર રોજગારના મુદ્દા પર કોઇ જવાબ આપી રહી નથી અને હું સતત રોજગારનો સવાલ પૂછી રહ્યો છું જેને કારણે મને બોલતો રોકવા માટે હર્ષવર્ધને નિર્દેશ મેળવીને ડ્રામા કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, હર્ષવર્ધને જે કર્યું  તે અસંસદીય છે. બાદમાં રાહુલ ગાંધીએ લોકસભામાં કોગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી.


રાહુલ ગાંધીએ સંસદ બહાર મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હું બીજો મુદ્દો ઉઠાવી રહ્યો છું. સવાલનો જવાબ આપવામાં આવે છે પરંતુ હેલ્થ મિનિસ્ટરને કોઇએ કહ્યુ હશે નહી તો તેઓ પોતાની રીતે આવું વર્તન કરે નહીં. આ અસંસદીય છે, સામાન્ય રીતે આવું થતું નથી.

રાહુલે કોગ્રેસ સાંસદ માનિક ટૈગારના હર્ષવર્ધન સાથે ચર્ચામાં ઉતર્યાના સવાલ પર કહ્યું કે, તેમણે કોઇના પર કોઇ હુમલો કર્યો નથી. તમે વીડિયો જોઇ શકો છો. માનિક ટૈગાર વેલમાં જરૂર ગયા હતા પરંતુ તેમણે કોઇના પર હુમલો કર્યો નહોતો, ઉલટું તેમના પર હુમલો થયો હતો. રાહુલે કહ્યું વડાપ્રધાન પોતાના પદ અને કદ અનુસાર વ્યવહાર કરી રહ્યા નથી. વડાપ્રધાનનો ખાસ દરજ્જો હોય છે. વડાપ્રધાન રોજગાર આપી રહ્યા નથી એટલા માટે આ ડ્રામા કરવામાં આવ્યો.