યૂપીએસસીએ સિવિલ સર્વિસ 2020નું પરીણામ જાહેર કર્યું છે. આ પરીક્ષામાં શુભમ કુમારે ટોપ કર્યું છે. યૂપીએસસી મુજબ, સિવિલ સર્વિસ પરીક્ષામાં જાગૃતિ અવસ્થી અને અંકિતા જૈને ક્રમશ બીજો અને ત્રીજો ક્રમ મેળવ્યો છે. સિવિલ સર્વિસ પરીક્ષા 2020માં 761 ઉમેદવારો પાસ થયા છે જેમાં 545 પુરુષ અને 216 મહિલાઓ સામેલ છે. જણાવી દઈએ કે આઈએએસ અધિકારી અને 2015 બેંચની ટોપર ટીના ડાબીની બહેન રિયા ડાબી પણ UPSC પરીક્ષામાં પાસ થઈ છે. રિયા ડાબીએ 15મો રેંક મેળવ્યો છે.


ટોપર શુભમ કુમાર આઈઆઈટી બોમ્બેથી  B Tech કરી ચૂક્યા છે અને બિહારના કટિહારના રહેવાસી છે. જાગૃતિ અવસ્થી MANIT ભોપાલથી બી ટેક ઈલેક્ટ્રિકલ એન્જીનિયરિંગ કરી ચૂકી છે.


સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન દર વર્ષે યૂપીએસસી ત્રણ તબક્કામાં કરે છે જેમાં પ્રિલિમ્સ, મુખ્ય પરીક્ષા અને ઈન્ટરવ્યૂ સામેલ છે. આ પરીક્ષાના માધ્યમથી ભારતીય પ્રશાસનિક સેવા આઈએએસ, ભારતીય વિદેશ સેવા આઈએફએસ અને ભારતીય પોલીસ સેવા આઈપીએસ સહિત અન્ય સેવાઓ માટે ઉમેદવારોની પસંદગી કરે છે.


પ્રારંભિક પરીક્ષા ગત વર્ષે ચાલ ઓક્ટોબરે યોજાઈ હતી. આ પરીક્ષા માટે 10 લાખ 40 હજાર 60 ઉમેદવારોએ આવેદન કર્યું હતું અને 4,82,770 લોકોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 10 હજાર 564 મુખ્ય પરીક્ષા માટે પાસ થયા હતા. મુખ્ય પરીક્ષા આ વર્ષે જાન્યુઆરીમાં યોજાઈ હતી. જેમાં 2,053 ઉમેદવાર ઈન્ટરવ્યૂ માટે પાસ થયા હતા.


UPSC Civil Services Result 2021 આ રીતે તપાસો


સ્ટેપ 1:  સત્તાવાર વેબસાઇટ upsc.gov.in ની મુલાકાત લો.
સ્ટેપ 2: વેબસાઈટ પર આપેલી રિઝલ્ટ લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે તમારી સ્ક્રીન પર એક PDF દેખાશે.
સ્ટેપ 4: તેમાં તમારો રોલ નંબર અને નામ શોધો.
સ્ટેપ 5: જો તમારો રોલ નંબર અને નામ તેમાં છે, તો તમે પાસ થઈ ગયા છો.
સ્ટેપ 6: તમે ડાઉનલોડ બટન પર ક્લિક કરીને આ PDF સાચવી શકો છો.


યુનિયન પબ્લિક સર્વિસ કમિશને તાજેતરમાં IAS અને IFS ભરતીની પ્રિલિમ પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. આ વર્ષે સિવિલ સર્વિસિસ પ્રિલિમ પરીક્ષા 10 ઓક્ટોબરે લેવામાં આવશે. પરીક્ષા 19 સેવાઓ માટે લેવામાં આવશે. પ્રથમ પ્રિલિમ પરીક્ષા 27 જૂન 2021 ના ​​રોજ યોજાવાની હતી, બાદમાં કોરોના વાયરસના કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી.


ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પહેલા જેવી જ રહેશે. ઉમેદવારોની પસંદગી માટે ત્રણ તબક્કાની પરીક્ષા લેવામાં આવશે. પ્રથમ પ્રિલિમ પરીક્ષા હશે, જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારોને બીજા તબક્કામાં યોજાનારી મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત થવાની તક મળશે. તે જ સમયે, જે ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં સફળ થશે તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.