મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર આજે શિવેસનામાં જોડાઈ શકે છે. આ પહેલા 2019માં કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી હતી અને બાદમાં પાર્ટી છોડી દીધી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધ ઠાકરેના નજીકના સહયોગી હર્ષલ પ્રધાને રવિવારે કહ્યું હતું કે, માતોંડકર મુખ્યમંત્રીની હાજરીમાં શિવેસનામાં જોડાશે.


એવું માનવામાં આવે છે કે, 2019ની હાર બાદ હવે ફરી એક વખત બોલિવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર પોતાની રાજનીતિક સફર શરૂ કરવાની છે. ઉર્મિલા માતોંડકરને પાર્ટીમાં જોડાવાના જામકારી શિવસેના સાંસદ સંજય રાઉતે આપી હતી. જાણકારી અનુસાર ઉર્મિલા માતોંડકર આજે બપોરે 12-30 કલાકે માતોશ્રી જશે. ત્યાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ઉર્મિલા મુલાકાત કરશે અને શિવસેનામાં જોડાશે.

હકીકતમાં મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાનીવાળી ગઠબંધનની સરકાર ઉર્મિલાને વિધાન પરિષદની સભ્ય બનાવવાની તૈયારીમાં હતી. સરકારે તેનું નામ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મોકલ્યું હતું. મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડીની સરકારે રાજ્યપાલને 12 નામોની લિસ્ટ મોકલી હતી, જેમને રાજ્યપાલના ક્વોટા હેઠળ વિધાનસભા સમિતિમાં મોકલવાના છે.


ઉર્મિલા માતોંડકર આમ તો પહેલા જ રાજકીય મેદાનમાં ઉતરી ચુકી છે, આ તેની બીજી ઈનિંગ્સ હશે, તે 2019માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસમાં સામેલ થઈ હતી. તેને ઉત્તરી મુંબઈ સીટ પરથી ચૂંટણી લડાવામાં આવી હતી. જો કે, ઉર્મિલાને ત્યાંથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેને ભાજપના ગોપાલ શેટ્ટીએ હરાવ્યા હતા.