નવી દિલ્હીઃ દેશમાં હાલ કોરોના ધીમો પડ્યો છે અને રસીકરણ પર વધારે ભાર આપવામાં આવી રહ્યો છે. જોકે આ દરમિયાન અનેક રસીકરણ કેન્દ્રો પર રસી ન હોવાના પાટીયાં લગાવી દેવામાં આવ્યા છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંગઠને (NIH) કહ્યું કે, ભારત બાયોટેકની કોરના રસી કોવેક્સિન આલ્ફા અને ડેલ્ટા વેરિયંટ સામે અસરદાર છે. NIH અનુસાર કોવેક્સિન લગાવી ચુકેલા લોકોમાં રહેલા એન્ટીબોડી ડેલ્ટા અને આલ્ફા વેરિયંટ બંનેને નિષ્ક્રિય કરવામાં કામયાબ છે. સંગઠને બે સ્ટડીના પરિણામોના આધારે આ દાવો કર્યો છે.
NIHએ ખુશી વ્યક્ત કરી કે અમેરિકામાં બનાવાયેલો પદાર્થ અલહાઈડ્રોક્સીક્યૂઈમ-II કોવેક્સિનને વધારે પ્રભાવી બનાવવાનું કામ કરે છે. આ પદાર્થને અમેરિકાની વાયરોવેક્સ એલએલસી કંપનીએ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈંફેક્શિયસ ડિસીઝની મદદથી બનાવાયો છે. એનઆઈએઆઈડીના પ્રમુખ ડૉ.એંથની ફાઉચીએ કહ્યું, અમેરિકામાં એનઆઈએઆઈડીના સહયોગથી બનાવેલો નવો પદાર્થ કોવિડ વેક્સિનનો હિસ્સો છે. જે ભારતના લોકો માટે ઉપલબ્ધ છે.
ભારત બાયોટેકના જણાવ્યા મુજબ, કોવેક્સિનને ભારત, બ્રાઝિલ, ફિલિપાઇન્સ, મેક્સિકો, ઇરાન સહિત 16 દેશમાં ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી મળી છે. વિશ્વના 50 દેશો સાથે ઈમરડન્સી યૂઝ ઓથોરાઇજેશન પ્રોસેસમાં છે. ભારત બહાર અન્ય દેશોને સપ્લાઇ કરતી વખતે તેની કિંમત 15-20 ડોલર પ્રતિ ડોઝ નિર્ધારીત કરવામાં આવી છે. ભારત બાયોટેકે આઈસીએમઆર સાથે મળીને કોવેક્સિન વિકસિત કરી છે અને તે પૂરી રીતે સ્વદેશી વેક્સિન છે.
ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 45,951 કેસ નોંધાયા હતા અને 817 લોકોના મોત થયા હતા. જ્યારે 60729 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈકાલે દેશમાં 37,566 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 907 લોકોના મોત થયા છે, જ્યારે 56994 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાથી મૃતકોની સંખ્યા એક હજારથી ઓછી નોંધાઈ છે. દેશમાં સતત 48મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે.