Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (29 માર્ચ) આકાશવાણી પર પ્રસારિત 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો શેર કર્યા હતા. આ 132મા એપિસોડમાં તેમણે ચેતવણી આપતા કહ્યું કે, ચાલી રહેલા વૈશ્વિક સંઘર્ષોને કારણે ઊર્જા ક્ષેત્રો પર સતત અસર પડી રહી છે અને વિશ્વભરમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ ઘેરું બની રહ્યું છે.
વૈશ્વિક પરિસ્થિતિ પર પીએમનું સંબોધન
પીએમ મોદીએ કહ્યું, "માર્ચનો આ મહિનો વૈશ્વિક સ્તરે અનેક ઘટનાઓથી ભરેલો રહ્યો છે. આપણને સૌને યાદ છે કે ભૂતકાળમાં કોવિડને કારણે આખી દુનિયાએ લાંબા સમય સુધી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આપણને આશા હતી કે કોવિડ સંકટમાંથી બહાર આવ્યા બાદ દુનિયા નવી શરૂઆત સાથે પ્રગતિના પથ પર આગળ વધશે, પરંતુ વિશ્વના વિવિધ ક્ષેત્રોમાં યુદ્ધ અને સંઘર્ષની સ્થિતિ સતત ઉભરી રહી છે."
ખાડી દેશોનો આભાર માન્યો
વડાપ્રધાને પડોશી દેશોમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, "વર્તમાનમાં આપણા પડોશમાં એક મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આપણા લાખો પરિવારોના સગા-સંબંધીઓ આ દેશોમાં રહે છે, ખાસ કરીને ખાડી દેશો (Gulf Countries) માં કામ કરે છે. હું ખાડી દેશોનો ખૂબ આભારી છું કે તેઓ ત્યાં રહેતા એક કરોડથી વધુ ભારતીયોને દરેક પ્રકારની મદદ પૂરી પાડી રહ્યા છે."
અફવાઓથી સાવધ રહેવા અપીલ
વડાપ્રધાને દેશવાસીઓને એકજૂથ રહેવા આગ્રહ કરતા કહ્યું, "આ ચોક્કસપણે પડકારજનક સમય છે. હું તમામ દેશવાસીઓને અપીલ કરીશ કે તેઓ જાગૃત રહે અને અફવાઓના બહેકાવવામાં ન આવે. વિશ્વભરમાં પેટ્રોલ અને ડીઝલને લઈને સંકટની સ્થિતિ બની રહી છે, પરંતુ આપણા વૈશ્વિક સંબંધો અને છેલ્લા એક દાયકામાં દેશનું જે સામર્થ્ય વધ્યું છે, તેને કારણે ભારત આ પરિસ્થિતિઓનો મક્કમતાથી સામનો કરી રહ્યું છે."
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને ફિટનેસ પીએમ મોદીએ સ્વાસ્થ્ય પર ભાર મૂકતા જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે 100 દિવસથી પણ ઓછા સમયમાં આવવાનો છે. તેમણે આફ્રિકાના જીબુતીમાં યોગનો પ્રચાર કરી રહેલા 'અલ્મિસ જી' અને તેમના 'અરવિંદ યોગ સેન્ટર'નો ઉલ્લેખ કર્યો હતો.
સ્વાસ્થ્ય અંગે ખાસ સલાહ પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ કન્ટેન્ટ ક્રિએટર યુવરાજ દુઆની પોસ્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ખાંડ (Sugar) નું સેવન ઘટાડવાની અપીલની હકારાત્મક અસર થઈ રહી છે. તેમણે દેશવાસીઓને પણ અપીલ કરી કે: ખોરાકમાં ખાંડ (Sugar) નું સેવન ઓછું કરો અને ખાવાના તેલના વપરાશમાં 10 ટકા નો કાપ મૂકો.
