રશિયા અને યુક્રેન વચ્ચે શરુ થયેલ યુદ્ધને લઈને અમેરિકાએ સતત આક્રમણ વલણ અપનાવી રાખ્યું છે. અમેરિકાએ રશિયા પર ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવ્યા છે અને બાકીના દેશોને પણ આવા પ્રતિબંધો લગાવવા માટે સલાહ આપી છે. આ સ્થિતિ વચ્ચે આજે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી મળી રહ્યા છે. આજની આ બેઠકમાં બંને નેતાઓ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ વિશે ચર્ચા કરે તેવી પુરી શક્યતા છે.


રશિયા મુદ્દે થઈ શકે છે ચર્ચાઃ
આજે થનારી આ વર્ચ્યુઅલ બેઠકમાં જે મુદ્દાઓ પર બંને નેતાઓ ચર્ચા કરવા જઈ રહ્યા છે તેમાં રશિયા અંગેનો કોઈ ઉલ્લેખ નથી કરાયો. જો કો જાણકારોનું માનવું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન રશિયાનો ઉલ્લેખ જરુરથી કરશે. સાથે જ આ મિટીંગ દ્વારા રશિયાને લઈને કડક વલણ અપનાવવા માટે ભારત ઉપર દબાવ બનાવવાનો પ્રયત્ન પણ થઈ શકે છે. જો કે સત્તાવાર રીતે તો એવી માહિતી આપવામાં આવી છે કે આજની આ મિટીંગમાં મોદી અને બાઈડન કોરોના મહામારી અને ક્લાઈમેટ ચેન્જ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.


પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડન વચ્ચે થનારી આ બેઠક બાદ ભારત અને અમેરિકાના વિદેશ મંત્રીઓ અને રક્ષા મંત્રીઓ વચ્ચે પણ બેઠક થશે. આ માટે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર ગઈકાલે જ અમેરિકા પહોંચી ગયા છે. બાઈડન રાષ્ટ્રપતિ બન્યા બાદ આ પહેલી વખત ભારત અને અમેરિકાના 2+2 મંત્રી વચ્ચે બેઠક થઈ રહી છે. આ બેઠકમાં સંરક્ષણ સહિત તમામ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે.


ભારત રશિયા મુદ્દે તટસ્થઃ
ઉલ્લેખનિય છે કે, રશિયાએ યુક્રેન પર કરેલા યુદ્ધ બાદ અમેરિકાએ રશિયા પર ઘણા આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા. જો કે ભારતે આ મુદ્દે રશિયા કે યુક્રેનનું સમર્થન પણ નથી કર્યું અને વિરોધ પણ નથી કર્યો. જ્યારે રશિયાની વિરુદ્ધમાં મતદાન કરવાનું થયું હતું ત્યારે પણ ભારતે વોટિંગમાં ભાગ નહોતો લીધો. ભારતે બંને દેશોને યુદ્ધવિરામ કરવા માટે અપિલ કરી હતી.