આગ્રાઃ યુપીના આગ્રાથી  મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગ્રાના તાજ મહેલને આજે ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. ACP તાજ સુરક્ષા સૈયદ અરીબ અહેમદનું કહેવું છે કે પ્રવાસન વિભાગને ઈમેલ મળ્યો છે. તેના આધારે તાજગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવી રહ્યો છે. બોમ્બની ધમકી મળવાને લઈ વધુ તપાસ હાથ ધરી છે.







શું છે સમગ્ર મામલો?


ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી શાળાઓ, ટ્રેનો, હોટેલો અને ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મામલામાં વધારો થઈ રહ્યો છે. જો કે, આમાંની મોટાભાગની ધમકીઓ ફેક હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ તાજમહેલ વિશ્વ પ્રસિદ્ધ ધરોહર છે અને તેને જોખમમાં મૂકવાની બાબતને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 



સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે 


ધમકી બાદ તાજ મહેલની અંદર અને બહારના વિસ્તારોમાં સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સીઆઈએસએફની ટીમે તાજમહેલની અંદર તપાસ હાથ ધરી છે અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.


પ્રાપ્ત માહિતી અનુસાર, ધમકીભર્યા ઈમેલમાં બોમ્બ ફૂટવાનો સમય પણ આપવામાં આવ્યો હતો. કહેવાય છે કે તાજમહેલમાં બોમ્બ મુકવામાં આવ્યો હતો. આ બોમ્બ સવારે 9 વાગે ફૂટશે. આ ઈમેલ મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ અને મામલાની તપાસ શરૂ કરી દીધી.


મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાજ મહેલ પાસે સુરક્ષા એજન્સીઓ તૈનાત કરવામાં આવી છે અને મેઈલ મોકલનાર વ્યક્તિની ઓળખ કરવામાં આવી રહી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય ટીમો તાજમહેલ પહોંચીને તપાસ શરૂ કરી છે. આ મામલો સામે આવ્યા બાદ સવાલ ઉઠવા લાગ્યા છે કે બોમ્બની ધમકીનો આ સિલસિલો ક્યારે સમાપ્ત થશે ? આ સમાચાર બાદ પ્રવાસીઓમાં પણ ભયનો માહોલ છે.