ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામની યાત્રાએ ગયેલા ગુજરાતના મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરતા પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા છે. ત્યારે ઉત્તરાખંડમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી ચારધામ યાત્રાને પણ અટકાવી દેવામાં આવી છે.


અલ્મોડાના ભિકિયાસેંણમાં એક મકાન ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયું. આ દરમિયાન બે બાળકો કાટમાળમાં દબાયા હતા. જાણકારી મળતાં જ એસડીઆરએફની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યુ છે. બાજપુરમાં લેખડા નદી ભયજનક સ્તરે વહી રહી છે.


હલદ્વાનીમાં ગોલા નદી ભયજનક સ્તર પર પહોંચી ગઈ છે અને તેના પર બનેલો અપ્રોચ પુલ તૂટી ગયો છે. આ પુલ પર પૂલ તૂટી પડ્યો હતો ત્યારે તેના પરથી પસાર થઈ રહેલા બાઇક સવારને લોકોએ બૂમો પાડીને ચેતવ્યો હતો. આ અંગેનો વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈએ ટ્વીટ કર્યો છે.






હરિદ્વારમાં ગંગાના જળ સ્તરમાં વધારો થયો છે.  ઋષિકેશમાં ગંગાના ખતરા નજીક પહોંચી ગઈ છે. ત્રિવેણી ઘાટના આરતી સ્થળ સહિત વિવિધ ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.  વરસાદના કારમે ઉત્તરાખંડ આવતી અનેક ટ્રેનો પ્રભાવિત થઈ છે અને ઘણી ટ્રેનના રૂટ ટુંકાવાયા છે. રેલવે દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે. કાઠગોદામ 9368702980, હલ્દ્વાની 9368702979, રૂદ્રપુર 9368702984, લાલ કુંઆ 9368702978. 


ચારધામ યાત્રાએ ગયેલા ગુજરાતીઓ અટવાયા


મોટી સંખ્યામાં ગુજરાતી યાત્રીઓ ઉત્તરકાશી, નેતાલા અને આસપાસના વિસ્તારોમાં અટવાયા છે. મણિનગરનો એક પરિવાર નેતાલામાં ફસાયો છે. પરિવારે પ્લેનનું બુકિંગ હોવાથી યાત્રા ટુંકાવાનો વારો આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ગંગોત્રીમાં ભારે વરસાદને કારણે ત્રણ હજારથી વધુ વાહનો અટવાયા છે. જ્યારે રાજકોટના 180 લોકોનું એક ગ્રુપ ગંગોત્રી જતા રસ્તામાં ફસાઈ ગયું છે. ધોળકા વિદ્યાલયના શિક્ષક ચેતનભાઈના જણાવ્યા અનુસાર તેઓ હાલ ઉત્તરકાશીથી ગંગોત્રી રોડ પર આવેલા નેતાલામાં ફસાઈ ગયા છે. તો અમદાવાદના નવા વાડજમાં રહેતા એક દંપતિ પણ ભારે વરસાદથી બે દિવસથી કેદારનાથમાં ફસાયું છે. અરવિંદ આહિરે એબીપી અસ્મિતા સાથે વાત કરતા જણાવ્યું કે કેદારનાથમાં બેથી ત્રણ હજાર લોકો ફસાયા છે. ફસાયેલા બેથી ત્રણ હજાર લોકોમાં ગુજરાતીઓ પણ છે. જેમણે સોશલ મીડિયાના માધ્યમથી રાજ્ય સરકારને મદદની ગુહાર લગાવી છે.