વલસાડનાં એક મહિલા ડૉક્ટરનું ફેસબુક એકાઉન્ટ હેક કરી તેમના સંબંધી અને સુરતનાં વેપારીને મેસેન્જરથી મેસેજ આવ્યો હતો, તેમની પાસે ગુગલ પે હોય તો તેમને 13 હજારની જરૂર છે અને તેમને થોડા દિવસમાં પરત આપી દેશે. તેમના સંબંધી દ્વારા 11 હજાર રૂપિયા ગૂગલ પે કરવામાં આવ્યા હતા. બાદમાં સબંધીને ફોન કરી પૈસા મળી ગયા હોવાનું પૂછતાં તેમણે કહ્યું હતું કે તેમનું ફેસબુક એકાઉન્ટ હેક થઇ ગયું છે. કોઈ ઠગ દ્વારા તમામ ફેસબુક ફ્રેન્ડને પૈસા માંગી હેરાન કરવામાં આવી રહ્યા છે, જેને પગલે મહિલા તબીબ દ્વારા તુરંત વલસાડ શહેર પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરુ કરતા ખેડા જિલ્લાનો અને મહેમદાવાદ રહેતો આરોપી પ્રિતેશ પ્રજાપતિની ભાળ મળતા તેને મહેમદાવાદની ધરપકડ કરી વલસાડ શહેર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વલસાડ પોલીસ દ્વારા આવા ફ્રોડ વ્યક્તિ અને કોઈપણ સોશિયલ મીડિયાની સાઈટ પર પૈસાની માંગણી કરતા લોકો સામે ચેતીને રહેવા અપીલ કરી છે.