Viral Video: કાશ્મીરના મોટાભાગના ભાગોમાં બરફ વર્ષા થઈ છે. શ્રીનગરમાં સિઝનની પહેલી બરફ વર્ષા થઈ હતી. બરફ વર્ષાને કારણે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો અને ત્યાંથી 20 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે કાશ્મીરના મેદાની વિસ્તારોમાં હળવીથી મધ્યમ બરફ વર્ષા નોંધાઈ હતી, જ્યારે ખીણના ઉપરના ભાગો અને ઊંચા ભાગોમાં મધ્યમથી ભારે બરફ વર્ષા થઈ હતી. આ દરમિયાન, ટ્રેનો પણ બરફમાંથી પસાર થઈ રહી છે. વાયરલ વીડિયોમાં કટરાથી શ્રીનગર જતી વંદે ભારત ટ્રેન બરફમાંથી પસાર થતી જોવા મળી હતી.
ક્યાં બરફવર્ષા થઈ ?
ઉત્તર કાશ્મીરના પ્રખ્યાત સ્કીઇંગ રિસોર્ટ ગુલમર્ગમાં બે ફૂટથી વધુ તાજી બરફ વર્ષા થઈ હતી, જ્યારે મધ્ય કાશ્મીરના ગંદરબલ પર્યટન રિસોર્ટમાં છ ઇંચથી વધુ અને દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહેલગામમાં લગભગ ત્રણ ઇંચ બરફ પડ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે બડગામ, બારામુલ્લા, કુપવાડા, શોપિયા, પુલવામા અને બાંદીપોરા જિલ્લાના ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે બરફ વર્ષા નોંધાઈ હતી, જ્યારે અનંતનાગ અને કુલગામ જિલ્લામાં હળવીથી મધ્યમ હિમવર્ષા થઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા અહેવાલ પ્રાપ્ત થયા ત્યાં સુધી બરફવર્ષા ચાલુ રહી હતી.
શ્રીનગર એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સ રદ
ખરાબ હવામાનને કારણે શ્રીનગર એરપોર્ટ પર હવાઈ ટ્રાફિક સ્થગિત થયા બાદ શુક્રવારે કાશ્મીર આવતી- જતી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. અધિકારીઓએ આ વાત જણાવી હતી. "સતત હિમવર્ષા, અનેક વિસ્તારોમાં બરફ અને રૂટ પર પ્રતિકૂળ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને મુસાફરોની સલામતીના હિતમાં શ્રીનગર એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ્સ આજે માટે રદ કરવામાં આવી છે," એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મુસાફરોને નવીનતમ માહિતી અને રહેવાની વ્યવસ્થા માટે તેમની સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે. કાશ્મીરના મોટાભાગના ભાગોમાં રાત્રે નવી હિમવર્ષા થઈ હતી, શ્રીનગરમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ હવામાન પરિસ્થિતિઓ શુક્રવાર સાંજ સુધી ચાલુ રહેશે.
