નવી દિલ્હીઃ બોલિવૂડની જાણીતી અભિનેત્રી જયા પ્રદા મંગળવારે ભાજપમાં સામેલ થઈ ગઈ છે. ભાજપમાં એન્ટ્રીની સાથે જ જયા પ્રદા રામપુરથી લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીના કદ્દાવર નેતા આજમ ખાન વિરૂદ્ધ ચૂંટણી લડી શકે છે. આ પહેલા રામપુરથી જયા પ્રદા વર્ષ 2004માં સમાજવાદી પાર્ટીથી ચૂંટણીમાં ઉતર્યા હતા અને જીત મેળવી હતી.

ભાજપમાં સામેલ થયા બાદ જયા પ્રદાએ કહ્યું, મને મોદીજીના નેતૃત્વમાં કામ કરવાની તક મળી રહી છે, એ મારા માટે સૌભાગ્યની વાત છે. હું મારા જીવનની દરેક પળ સમર્પિત કરતા ભાજપ માટે કામ કરીશ. આ મારા જીવનની સૌથી મહત્ત્વની પળ છે.



ઉલ્લેખનીય છે કે, જયા પ્રદા 1994માં તેદપામાં જોડાયા હતા. પરંતુ ચન્દ્રાબાબુ નાયડુ સાથે વિવાદ થતા તેમણે પાર્ટી છોડી દીધી હતી અને સમાજવાદી પાર્ટીમાં જોડાઇ ગયા હતા. તેમણે 2004 લોકસભા ચૂંટણીમાં રામપુર બેઠક પરથી ચૂંટણી લડી હતી અને 85000 મતોના માર્જિનથી બેઠક જીત્યા પણ હતા.

ત્યારબાદ પાર્ટીના નેતા આઝમ ખાન સાથે કેટલીક બાબતે તેમનો વિવાદ થયો હતો. તેમ છતાં તેમણે 2009 લોકસભા ચૂંટણીમાં રામપુર બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. જો કે 2010માં સમાજવાદી પાર્ટીએ તેમની એન્ટી પાર્ટી એક્ટિવિટીને પગલે પક્ષની પ્રાથમિક સભ્યતા પરથી હટાવી દીધા હતા.

બાદમાં તેણે અમર સિંહ સાથે એક નવી પાર્ટી બનાવી હતી. તેમના રાષ્ટ્રીય લોક મંચ પક્ષે 2012ના યુપીના વિધાનસભા ચૂંટણીમાં કેટલાક ઉમેદવારો ઉતાર્યા હતા. જો કે પાર્ટી એક પણ બેઠક જીતી શકી નહતી.