Vice President M Venkaiah Naidu Corona Positive: દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમણે પોતાને એક અઠવાડિયા માટે આઈસોલેટ કરવાનો નિર્ણય લીધો છે. તેમના સંક્રમણ અંગેની માહિતી ઉપરાષ્ટ્રપતિના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવી છે.


ઉપરાષ્ટ્રપતિના ટ્વિટર એકાઉન્ટ પરથી સાંજે લગભગ 5.45 વાગ્યે બે ટ્વિટ કરવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, "ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુ આજે કોવિડ ટેસ્ટ રિપોર્ટમાં પોઝિટિવ જણાયા હતા. તેઓ હાલ હૈદરાબાદમાં છે. કોવિડ પ્રોટોકોલને અનુસરીને, તેમણે એક સપ્તાહ માટે પોતાને અલગ રાખવાનો નિર્ણય લીધો છે."



તેમના અન્ય ટ્વીટમાં લખ્યું છે, "ઉપરાષ્ટ્રપતિએ વિનંતી કરી છે કે જે લોકો ભૂતકાળમાં તેમના સંપર્કમાં આવ્યા હતા, તેઓએ પણ પોતાને અલગ રાખવા જોઈએ અને પોતાનું પરીક્ષણ કરાવવું જોઈએ."


ભારતમાં કોરોના વાયરસના કેસ


ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 3,33,533 નવા કેસ નોંધાયા છે અને 525 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,59,168 સંક્રમિતો સાજા થયા છે.દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 21,87,205 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 17.78 ટકા છે.  દેશમાં 22 જાન્યુઆરીએ 19,60,954 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.


કુલ એક્ટિવ કેસઃ 21,87,205


કુલ ડિસ્ચાર્જઃ  3,65,60,650


કુલ મૃત્યુઆંકઃ 4,89,409


કુલ રસીકરણઃ  161,92,84,270 (જેમાંથી ગઈકાલે 71,10,445 ડોઝ આપવામાં આવ્યા હતા.)