Maharashtra News: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના કિરાડપુરા વિસ્તારમાં બે જૂથો વચ્ચે મારામારી થયાની ઘટના સામે આવી છે. મારા મારી પછી અહીં પથ્થરમારો થયાના પણ સમાચાર છે. મળતી માહિતી અનુસાર, કેટલાક ખાનગી અને પોલીસ વાહનોને આગચાંપી કરવામાં આવી છે, પોલીસે લોકોને વિખેરવા બળપ્રયોગ કર્યો હતો જોકે, હવે સ્થિતિ કાબુમાં છે. છત્રપતિ સંભાજીનગરના સીપી નિખિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે બદમાશો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


સાંસદ ઇમ્તિયાઝ જલીલે કરી ઘટનાની નિંદા - 
આ સમગ્ર મામલે સાંસદ ઈમ્તિયાઝ જલીલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, નશાખોરોએ આતંક મચાવ્યો છે. પોલીસ ઘટનાસ્થળે મોડી પહોંચી હતી. કોઈ વરિષ્ઠ અધિકારી ન હતા, તેની વિગતે તપાસ થવી જોઈએ. આ ઘટના નિંદનીય છે. હું લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી રહ્યો છું. પોલીસ કમિશનર નિખિલ ગુપ્તાએ જણાવ્યું કે, આ ઘટના રાત્રે 12.30 વાગ્યે બની હતી. કેટલાક છોકરાઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. હું શાંત રહેવા અપીલ કરું છું. તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પોતાનું કામ કરી રહી છે.


શું છે મામલો ?
રામનવમીના તહેવાર પ્રસંગે શહેરના વિવિધ સ્થળોએ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની મિશ્ર વસ્તી ધરાવતા કિરાડપુરામાં રામ મંદિરમાં પણ તૈયારીઓ ચાલી રહી હતી. રાત્રે 12 વાગ્યાની આસપાસ યુવાનોનું ટોળું મંદિર તરફ જઈ રહ્યું હતું. અહીંથી જ તંગદિલીનો પ્રથમ તણખો ઝળ્યા હતા, પ્રાથમિક માહિતી અનુસાર, કેટલાક યુવકો મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, ત્યારબાદ તેઓએ યુવકોને ટક્કર મારી અને તેમની વચ્ચે બોલાચાલી થઈ, બાદમાં વિવાદ વકર્યો અને મારામારી પર આવ્યો હતો, જોકે, બાદમાં બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. 


તોફાનીઓએ મંદિરની સામે ઉભેલા પોલીસ વાહનને આગચાંપી કરી દીધી હતી. ટોળું સાંભળવા તૈયાર ન હતું. થોડી જ વારમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિત ભારે દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પરંતુ લોકોએ પથ્થરમારો કરીને કારના કાચ તોડી નાખ્યા હતા. પરિણામે ભીડને કાબૂમાં લેવા પોલીસે ગોળીબાર કર્યો હતો. બાદમાં ફાયર વિભાગની ગાડીઓએ આગને કાબુમાં લીધી હતી. અત્યારે સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. તમને જણાવી દઈએ કે, 2જી તારીખે અહીં મહાવિકાસ અઘાડીની રેલી પણ યોજાવાની છે.