Viral Video: સમોસા જેવા દેખાતા પદાર્થો પર એક વ્યક્તિ રંગ લગાવી રહ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકોએ આને ખાદ્ય પદાર્થોમાં મિલાવટ સાથે જોડ્યું, જ્યારે અન્ય ઘણા યુઝર્સે દાવો કર્યો કે, આ વસ્તુઓ ખાવા માટેના સમોસા નહીં પરંતુ પ્રદર્શન માટે બનાવેલી સજાવટી વસ્તુઓ હોઈ શકે છે.

Continues below advertisement

વીડિયો X (પૂર્વે ટ્વિટર) પર શેર કરવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સમોસાઓને રંગવામાં આવી રહ્યા છે. પોસ્ટ સાથે લખવામાં આવ્યું હતું, "સમોસા પર રંગ લગાવવામાં આવી રહ્યો છે. મને લાગતું હતું કે સમોસા તો શુદ્ધ હોય છે, પરંતુ અહીં પણ ભેળસેળ જોવા મળી રહી છે."

 

જો કે, આ દાવાની સત્યતા હજુ સુધી સ્પષ્ટ થઈ નથી. વીડિયોમાં દેખાતી વસ્તુઓ ખરેખર ખાવા માટેના સમોસા છે કે નહીં તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે, આ હસ્તનિર્મિત સજાવટી વસ્તુઓ હોઈ શકે છે, જે માત્ર પ્રદર્શન માટે બનાવવામાં આવતી  હોય છે.  વીડિયોમાં એક વ્યક્તિ જમીન પર બેઠેલો જોવા મળે છે અને તેની આસપાસ સમોસા જેવા આકાર ધરાવતી અનેક વસ્તુઓ રાખેલી છે. કેટલીક વસ્તુઓ તળેલા સમોસા જેવી સુવર્ણ-ભૂરા રંગની દેખાય છે, જ્યારે કેટલીક ફિક્કી દેખાય છે. વ્યક્તિ બ્રશની મદદથી આ વસ્તુઓ પર રંગ લગાવતો જોવા મળે છે.

તેની આસપાસ રંગ અથવા પ્રવાહીથી ભરેલા નાના ગ્લાસ પણ દેખાય છે અને નજીકમાં સમોસા જેવા આકાર ધરાવતા અનેક અન્ય પદાર્થો રાખેલા છે, જેમને રંગવાની પ્રક્રિયા બાકી હોય તેવું લાગે છે. તેમના દેખાવને કારણે કેટલાક લોકોએ તેને ખરેખર સમોસા સમજી લીધા હતા. જોકે અન્ય લોકોએ નોંધ્યું કે, આ પ્રક્રિયા ખાદ્ય પદાર્થ તૈયાર કરવા કરતાં હસ્તકલા અથવા સજાવટી વસ્તુઓને રંગવાની પ્રક્રિયા જેવી વધુ લાગે છે.

સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા

આ પોસ્ટ વાયરલ થતાં જ યુઝર્સે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.  એક યુઝરે લખ્યું, "સમોસાને રંગવાની શું જરૂર છે? એથી શું ફાયદો થવાનો છે?"

બીજા યુઝરે મજાકીય અંદાજમાં કહ્યું, "સમોસા પણ દગાબાજ નીકળ્યો!"

જ્યારે કેટલાક લોકોએ સ્પષ્ટ કહ્યું કે, વીડિયોમાં દેખાતી વસ્તુઓ ખાવાની નથી. એક યુઝરે લખ્યું, "આ વ્યક્તિ એક કલાકાર છે અને આ સમોસા ખાવા માટે નથી, પરંતુ પ્રદર્શન માટે બનાવેલા છે, જેમ કે દુકાનોમાં રાખવામાં આવતા નકલી ફળો. સમોસાને એટલા વાસ્તવિક દેખાડવા માટે કલાકારની કારીગરીની પ્રશંસા કરવી જોઈએ."

હાલમાં, વીડિયોમાં દેખાતી વસ્તુઓ ખરેખર ખાદ્ય સમોસા છે કે સજાવટી નમૂનાઓ છે, તેની કોઈ સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી. તેથી વાયરલ દાવાને સત્ય માનતા પહેલાં તેની હકીકતની ચકાસણી કરવી જરૂરી છે.