વિશાખાપટ્ટનમઃ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગેસ લીકને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીએમ જગન મોહન રેડ્ડી, ગૃહ મંત્રી અમિત શાહ અને એનડીએમએના અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી પૂરી સ્થિતિ અંગે માહિતી મેળવી રહ્યા છે અને શક્ય તમામ મદદની કોશિશ કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ સૌની સુરક્ષા અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી છે.

રાહુલ ગાંધીએ ઘટના પર અફસોસ વ્યક્ત કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓને મદદની અપીલ કરી છે. રાહુલે કહ્યું, "હું કોંગ્રેસ કાર્યકર્તાઓ-નેતાઓને પ્રભાવિત લોકોને તમામ જરૂરી મદદ કરવાની અપીલ કરુ છું. જે લોકોના જીવ ગયા છે તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યકત કરુ છું. હોસ્પિટલમાં દાખલ જલદી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરું છું."


આજે વહેલી સવારે આરઆર વેંકટપુરમમાં આવેલી કંપનીમાંથી ગેસ લીક થયો હતો. ઝેરીલા ગેસના કારણે ફેક્ટરીના આસપાસનો ત્રણ કિલોમીટર વિસ્તાર પ્રભાવિત થયો છે. દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે અને 170 લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફેકટરીની આસપાસથી ત્રણ હજાર લોકોને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે.


વિશાખપટ્ટનમના કમિશ્નર શ્રીજના ગુમલ્લાએ કહ્યું, પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે પીવીસી કે સ્ટેરેન ગેસ લીક થયો છે. જેની શરૂઆત સવારે 2.30 કલાકથી થઈ હતી. ગેસ લીક થવાથી આસપાસના સેંકડો લોકો તેની ઝપેટમાં આવી ગયા અને ઘણા લોકો બેભાન થઈ ગયા હતા. જ્યારે અનેક લોકોને શ્વાસ લેવામાં પરેશાની થઈ રહી છે.