Election Commission voter list draft: ભારતીય ચૂંટણી પંચ (Election Commission) દ્વારા હાથ ધરાયેલા SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) બાદ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન સહિતના રાજ્યોની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી લાખો નામોની બાદબાકી કરવામાં આવી છે. બંગાળમાં 58 લાખ અને રાજસ્થાનમાં 42 લાખ મતદારોના નામ રદ થતા ખળભળાટ મચ્યો છે. જેમાં મૃત્યુ પામેલા અને સ્થળાંતરિત થયેલા લોકોનો સમાવેશ થાય છે. જો તમારું નામ પણ યાદીમાંથી નીકળી ગયું હોય, તો 15 જાન્યુઆરી 2026 સુધી સુધારો કરવાની તક આપવામાં આવી છે.
દેશમાં નિષ્પક્ષ ચૂંટણી યોજવા અને બોગસ વોટિંગ અટકાવવા માટે ચૂંટણી પંચ સતત સક્રિય છે. તાજેતરમાં 4 નવેમ્બરથી 11 ડિસેમ્બર દરમિયાન ચાલેલી SIR (Special Intensive Revision) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પંચે વિવિધ રાજ્યોની સુધારેલી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે. આ યાદીમાં મોટા પાયે નામો રદ કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે યાદીમાં કેટલા ડુપ્લિકેટ અને મૃત મતદારોના નામ બોલતા હતા.
પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક ઘટાડો
સૌથી મોટી કાર્યવાહી પશ્ચિમ બંગાળમાં જોવા મળી છે. અહીંની મતદાર યાદીમાંથી કુલ 58,20,898 નામો હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા 7.66 કરોડથી ઘટીને 7.08 કરોડ થઈ ગઈ છે. જોકે, બંગાળના સુપરવાઈઝર સુબ્રત ગુપ્તાએ સ્પષ્ટતા કરી છે કે જે 30 લાખ મતદારોનો ડેટા 2002ની યાદી સાથે મેચ નથી થતો, તેમને ગભરાવાની જરૂર નથી. આવા લોકોને સુનાવણીની તક આપીને વોટર આઈડી (Voter ID) અંગે યોગ્ય નિર્ણય લેવાશે.
રાજસ્થાનમાં 42 લાખ નામો પર કાતર
રાજસ્થાનમાં પણ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ કડક પગલાં લેવાયા છે. રાજ્યના કુલ 5.46 કરોડ મતદારોમાંથી આશરે 42 લાખ નામો રદ કરવામાં આવ્યા છે. ડેટા મુજબ, આશરે 8.75 લાખ મતદારો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 29.6 લાખ મતદારો સ્થળાંતરિત થયા હોવાનું સામે આવ્યું હતું. જયપુર જિલ્લામાં સૌથી વધુ નામો કમી થયા છે. આ ઉપરાંત 11 લાખ જેટલા શંકાસ્પદ મતદારોને નોટિસ પાઠવવામાં આવી છે.
ગોવા અને અન્ય રાજ્યોની સ્થિતિ
આ ઝુંબેશ અંતર્ગત ગોવામાં પણ 1 લાખથી વધુ અને લક્ષદ્વીપમાં 1,400 જેટલા નામો ડ્રાફ્ટ લિસ્ટમાંથી દૂર કરાયા છે.
મતદારો માટે હવે શું?
જે લાયક નાગરિકોના નામ ભૂલથી યાદીમાંથી નીકળી ગયા હોય કે જેમણે નવું વોટર કાર્ડ કઢાવવું હોય, તેમના માટે ચૂંટણી પંચે ફરી એક તક આપી છે. આવા મતદારો 16 ડિસેમ્બર, 2025 થી 15 જાન્યુઆરી, 2026 સુધી ફરીથી અરજી કરી શકે છે. લોકશાહીને મજબૂત કરવા માટે એક સ્વચ્છ અને સચોટ મતદાર યાદી હોવી અત્યંત આવશ્યક છે.