કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે. જ્યારે 10 મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરીમાં ઇન્ડિયન નેવીના જવાનો પણ જોડાયા હતા. અત્યાર સુધીમાં 100 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. વાયનાડમાં ભૂસ્ખલન બાદ બચાવ કામગીરી માટે નૌકાદળની એક ટીમ એઝિમાલાથી રવાના થઇ હતી. મુખ્યમંત્રીની સૂચના મુજબ નેવીની મદદ માંગવામાં આવી છે. વાયનાડમાં છેલ્લા 24 કલાકમાં 372 મીમી વરસાદ નોંધાયો છે. સૈન્યના જવાનોની એક ટીમ ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડથી કન્નુરથી શોધ અને બચાવ કામગીરી માટે રવાના થઈ ગઈ છે. એનડીઆરએફની સાથે સેનાને પણ બચાવ કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે. 






250થી વધુ લોકોને બચાવાયા


કેરળના મહેસૂલ મંત્રી કે. રાજનના કાર્યાલયે કહ્યું હતું કે 'એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમો ઘટનાસ્થળે છે. અત્યાર સુધીમાં લગભગ 101 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બાથરી સેન્ટ મેરી એસકેએમજે સ્કૂલ, કાલપેટ્ટામાં રાહત શિબિર બનાવવામાં આવી છે. મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ હાજર છે. ભોજન અને કપડાંની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.






વાયનાડમાં ભૂસ્ખલન પર કેરળના મંત્રી એમ.બી. રાજેશે કહ્યું હતું કે 'અત્યાર સુધીમાં 57 લોકોના મોત થયા છે. વિવિધ એજન્સીઓ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અમે સેના પાસેથી મદદ માંગી છે જે જલ્દીથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જશે. મુખ્યમંત્રી આ અભિયાન પર નજર રાખી રહ્યા છે. તેમણે મંત્રીઓની એક ટીમને વાયનાડ મોકલી છે. 250 લોકોને બચાવીને કામચલાઉ આશ્રય શિબિરોમાં મોકલવામાં આવ્યા છે. અમે ફસાયેલા લોકોને હવાઈ માર્ગે બહાર કાઢી રહ્યા છીએ. બચાવ કાર્ય માટે સરકાર દ્વારા તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.