Wayanad Landslides Updates: કેરળના વાયનાડમાં સોમવાર (29 જુલાઈ 2024)ની મોડી રાત્રે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલને અનેક પરિવારોની ખુશીઓ છીનવી લીધી. જણાવવામાં આવી રહ્યું છે કે આ ત્રાસદીમાં અત્યાર સુધીમાં 292 લોકોના મૃત્યુ થયા છે અને એક હજારથી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં હજુ પણ 29 બાળકો ગુમ છે. આ ત્રાસદીની ગુંજ સંસદમાં પણ સંભળાઈ અને પછી આ મુદ્દે રાજકારણ પણ શરૂ થઈ ગયું.


રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાયનાડ પહોંચ્યા


આ દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાયનાડ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે વાયનાડ જિલ્લાના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં બનાવવામાં આવેલા વિવિધ રાહત શિબિરોની મુલાકાત પણ લીધી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ વાયનાડના મેપડ્ડીમાં આ દુર્ઘટનાથી પીડિત લોકોની મુલાકાત લીધી. બંને નેતાઓ સવારે 9.30 વાગ્યે કન્નૂર એરપોર્ટ પર ઉતર્યા અને પછી ત્યાંથી રોડ માર્ગે વાયનાડ પહોંચ્યા હતા.


ઝડપથી ચાલી રહ્યું છે બચાવ અભિયાન


આ ભૂસ્ખલન બાદ ભારતીય સેના, વાયુસેના, નૌસેના, NDRF અને સ્થાનિક પોલીસ પ્રશાસન ઝડપથી બચાવ અભિયાન ચલાવી રહ્યા છે. બચાવકર્મીઓ નષ્ટ થયેલા ઘરો અને ઇમારતોમાં લોકોની શોધ કરી રહ્યા છે, પરંતુ ચારે બાજુ કાટમાળ હોવાને કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.


ભૂસ્ખલનમાં 348 ઇમારતો પ્રભાવિત


ભૂમિ મહેસૂલ આયુક્તે જણાવ્યું કે વાયનાડમાં ભૂસ્ખલનથી ઘરો સહિત 348 ઇમારતો પ્રભાવિત થઈ છે. મુખ્યમંત્રી પિનારાઈ વિજયનની અધ્યક્ષતામાં ગુરુવાર (1 ઓગસ્ટ 2024)ના રોજ વાયનાડમાં યોજાયેલી એક સત્તાવાર બેઠકમાં મૂલ્યાંકન કરવામાં આવ્યું કે ભૂસ્ખલન બાદ ત્રણ દિવસના બચાવ અભિયાનમાં બધા બચેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે.


આ વિસ્તારોમાં હવે લોકો ફસાયેલા નથી


કેરળ કર્ણાટક સબ એરિયા જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) મેજર જનરલ વી.ટી. મેથ્યુએ મુખ્યમંત્રી સાથેની બેઠક વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે મુંડકાઈ અને અટ્ટામાલા વિસ્તારમાં કોઈ વ્યક્તિ જીવિત ફસાયેલી હોવાની શક્યતા નથી. સેનાના 500 જવાનો મુંડકાઈ અને ચુરાલમાલા વિસ્તારની તપાસ માટે ઉપલબ્ધ છે.


આ ત્રાસદીમાં હજુ પણ કોઈ ફસાયેલું છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. મુખ્ય કાર્ય મુંડકાઈ સુધી મશીનરી લાવવા માટે એક પુલનું નિર્માણ કરવાનું હતું. મેજર જનરલ વી.ટી. મેથ્યુએ કહ્યું કે બેલી બ્રિજ આજે (ગુરુવાર) બપોર સુધીમાં પૂર્ણ થઈ જશે કારણ કે કામ બુધવારે રાત્રે પણ ચાલુ રહ્યું હતું. જોકે વરસાદને કારણે બુધવારે આ પુલનું કામ રોકવામાં આવ્યું હતું.


29 ગુમ વિદ્યાર્થીઓમાંથી ચારના મૃતદેહ મળ્યા


કેરળ પોલીસના ADGP અજિત કુમારે જણાવ્યું હતું કે મલપ્પુરમમાં 1000 લોકો શોધ વિસ્તારમાં છે અને 1000 પોલીસકર્મીઓ સક્રિય છે. તેમણે કહ્યું કે જે સમસ્યા સૌથી વધુ આવી રહી છે તે મૃતદેહોની ઓળખની છે. DDE શશિન્દ્રવ્યાસ વી.એ.એ જણાવ્યું કે ભૂસ્ખલન બાદ મુંડાકાઈ અને વેલ્લારમાલા વિસ્તારની બે શાળાઓ અને મેપ્પડી વિસ્તારની બે શાળાઓના કુલ 29 વિદ્યાર્થીઓ ગુમ છે. ગુમ થયેલા 29 બાળકોમાંથી ચારના મૃતદેહની ઓળખ કરવામાં આવી છે. બધા બાળકોની વિગતો લેવામાં આવી રહી છે.