Weather Forecast: થોડાક સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા એન્ટ્રી કરી શકે છે. હાલમાં જ લેટેસ્ટ અપડેટ આપતા IMDએ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ (IMD) એ દેશના વિવિધ વિસ્તારો માટે હવામાનની આગાહી વિશે માહિતી આપી છે. IMD એ આજે ​​અને આવતીકાલે ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દેશમાં ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, સિક્કિમ, સબ હિમાલયન અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.


આગામી દિવસોમાં વરસાદની સંભાવના  - 
હવામાન વિભાગે વધુ અપડેટ આપતાં જણાવ્યુ કે, આગામી ચાર દિવસ પૂર્વોત્તર ભારતમાં હળવો વરસાદ પડી શકે છે. બીજીબાજુ 16 ઓગસ્ટથી પૂર્વ અને મધ્ય ભારતમાં વરસાદની ગતિવિધિઓમાં વધારો થશે. તેવી જ રીતે ઓડિશામાં 15 અને 16 ઓગસ્ટે વરસાદની સંભાવના છે.


બીજીબાજુ ઝારખંડમાં 16 ઓગસ્ટે વરસાદની સંભાવના છે. બિહારમાં આજે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે. તેવી જ રીતે 14 થી 16 ઓગસ્ટ સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


દિલ્હીમાં પણ વરસાદની સંભાવના - 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવાર અને મંગળવારે દિલ્હીમાં ગાજવીજ સાથે ખૂબ જ હળવો વરસાદ પડી શકે છે. હવામાન કચેરીએ સોમવારે શહેરમાં વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી છે, જ્યારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે એક કે બે જગ્યાએ ખૂબ જ હળવો વરસાદ પડી શકે છે.


મંગળવારે પણ વરસાદનું અનુમાન -  
વિભાગે મંગળવારે સ્વતંત્રતા દિવસના દિવસે દિલ્હીમાં સાંજે ખૂબ જ હળવા વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. વળી, કેટલાક વિસ્તારોમાં સવારથી વરસાદ પડવાની પણ સંભાવના છે, જો સવારથી વરસાદ પડશે તો ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ખલેલ પડી શકે છે. બીજીબાજુ રવિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધારે છે. તે જ સમયે લઘુત્તમ તાપમાન 26.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સમગ્ર દિવસ દરમિયાન ભેજયુક્ત વાતાવરણ રહ્યું હતું અને હવામાં ભેજનું પ્રમાણ 57 થી 74 ટકાની વચ્ચે નોંધાયું હતું.