India Meteorological Department: દેશભરમાં આગઝરતી ગરમી અને અંગ દઝાડતી લૂથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ બુધવારથી તેમાંથી રાહત મળી શકે છે. ભારતીય હવામાન વિભાગે રાહત આપતી આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આજથી સમગ્ર ભારતમાં લૂનું મોજું સમાપ્ત થઈ ગયું છે.


આઈએમડીના હવામાનશાસ્ત્રી આરકે જેનામાણીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર ભારતમાં ગરમીનું મોજું સમાપ્ત થઈ ગયું છે. આજથી તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થશે અને વાદળછાયું આકાશ રહેશે. અમે રાજસ્થાન, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ચંદીગઢમાં કરા, વાવાઝોડાનું અવલોકન કર્યું છે. વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.


પહાડી વિસ્તારોમાં 2-3 દિવસ સુધી ભારે વરસાદ


આર.કે.જેનમણીએ જણાવ્યું હતું કે, આગામી 2-3 દિવસ પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે અને પૂર્વ ભારતમાં પણ તોફાન આવવાની સંભાવના છે. આ અગાઉ મંગળવારે હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં વરસાદ અને કરા પડ્યા હતા.


50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન


હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 24 અને 25 મેના રોજ ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગંગા કિનારાના પશ્ચિમ બંગાળના વિસ્તારો, બિહાર અને ઝારખંડના કેટલાક ભાગોમાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી લઈને 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.






હિમાચલમાં વરસાદ


જ્યારે 24 મેના રોજ, હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડા, વીજળીના ચમકારા અને ભારે પવનની આગાહી કરતી ચેતવણી જારી કરી હતી. શિમલા અને આસપાસના વિસ્તારોમાં કરા અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો. તો હિમાચલના મંડીમાં 17 મીમી, કાંગડામાં 13 મીમી અને કલ્પામાં હળવો વરસાદ નોંધાયો હતો.


પર્વતાળ વિસ્તારમાં ભારે વરસાદ


હવામાન વિભાગે 25, 26 અને 27 મેના રોજ પહાડી વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ અને વીજળી પડવાની યલો એલર્ટ ચેતવણી જારી કરી છે. એક સક્રિય પશ્ચિમી વિક્ષેપ પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં પ્રવેશ્યું છે અને તેના કારણે પર્વતોમાં ભારે વરસાદ થઈ શકે છે.






Gujarat Weather: રાજ્યમાં ગરમીથી મળશે રાહત, 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન


 ગરમીમાં શેકાતા રાજ્યના લોકો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં ગરમીથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે. તાપમાનમાં 3 થી 4 ડિગ્રીની ઘટાડો નોંધાશે અને આવતીકાલથી રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે. પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.  આ ઉપરાંત 26 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.


દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત આ દિવસોમાં ગરમી સામે ઝઝૂમી રહ્યું છે. દિલ્હીના નજફગઢમાં તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જો કે, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલ (24 મે)થી હવામાનમાં ફેરફાર થશે. તે જ સમયે, ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગરમીથી થોડી રાહત જોવા મળશે.