શ્રીનગર: સોમવારે કાશ્મીરમાં કોલ્ડવેવની સ્થિતિ વધુ ગંભીર બની હતી. ખીણમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી અનેક ડિગ્રી સેલ્સિયસ નીચે ગયું હતું. હવામાન વિભાગના અધિકારીઓએ આ માહિતી આપી હતી. હવામાન વિભાગે જણાવ્યું કે શ્રીનગરમાં રવિવારે રાત્રે લઘુત્તમ તાપમાન માઈનસ 3.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે શનિવારે રાત્રે તે માઈનસ 0.9 ડિગ્રી સેલ્સિયસ હતું.


પહેલગામમાં તાપમાન માઈનસ 6 ડિગ્રીએ પહોંચી ગયું હતું 


દક્ષિણ કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પૈકીના એક પહેલગામમાં શનિવારે રાત્રે લઘુત્તમ તાપમાન માઈનસ 6.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે શનિવારે રાત્રે માઈનસ 3 ડિગ્રી સેલ્સિયસ હતું, એમ સ્થાનિક હવામાન વિભાગે જણાવ્યું હતું.


કાશ્મીરના આ વિસ્તારોમાં પણ તાપમાનમાં ઘટાડો થયો છે 


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર કાશ્મીરના પર્યટન સ્થળ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 5.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન માઈનસ ત્રણ ડિગ્રી, પમ્પોર નગરના કોનીબલમાં માઈનસ પાંચ ડિગ્રી, કુપવાડામાં માઈનસ 1.4 ડિગ્રી સેલ્સિયસ અને કોકરનાગમાં માઈનસ 2.4 ડિગ્રી સેલ્સિયસ હતું.


આગામી ત્રણ દિવસમાં હિમવર્ષા થશે


આ સાથે હવામાન વિભાગે કહ્યું કે આગામી ત્રણ દિવસમાં એટલે કે 72 કલાકમાં ઘાટીમાં વિવિધ સ્થળોએ હિમવર્ષા થવાની સંભાવના છે.સમગ્ર જમ્મુ કાશ્મીરમાં હાલમાં કાતિલ ઠંડી પડી રહી છે. પહાડી રાજ્યમાં હિમવર્ષાની પણ આગાહી કરવામાં આવી છે.  પર્યટન સ્થળો પર તાપમાન માઈનસમાં છે.   


ગુજરાતના હવામાનમાં પલટો આવશે


સતત ત્રણેક દિવસ ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થયા બાદ, આજથી ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે. જેના કારણે હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે. જાન્યુઆરીના બાકી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ખાસ વાતચીત કરી છે.


અરબી સમુદ્રના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વારંવાર પલટો આવશે. 22મીથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. જેનાથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે. આગામી  27, 28, 29મી જાન્યુઆરીએ વાદળછાયું અને કોઈક કોઈક ભાગોમાં માવઠાની શક્યતા રહેશે. તારીખ 18,19 અને 20માં  ડાંગમાં મોટો પલટો આવવાની શક્યતા છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠું થવાની શક્યતા રહેશે. હળવા છાંટા કે વરસાદ થવાની શક્યતા રહેશે. 24 જાન્યુઆરીથી ફરીથી ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઠંડી વધવાની શક્યતા છે.