Weather Update: દિલ્હી સહિત NCR વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આ  કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ઉત્તરાખંડના દહેરાદૂન અને ઉત્તરકાશીમાં વરસાદને લઈ રેડ એલર્ટ જારી કર્યું છે. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે એક સપ્તાહ સુધી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. 

ઉત્તરાખંડમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી કેટલાક દિવસો સુધી ઉતરાખંડમાં  હવામાન ખરાબ રહેશે. ઉપરાંત, દહેરાદૂન, ઉત્તરકાશી સહિત ઘણા જિલ્લાઓમાં મુશળધાર વરસાદની શક્યતા છે. ઉત્તરકાશી વહીવટીતંત્રે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ધરાલીમાં રાહત અને બચાવ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે.

ગંગા કોસીમાં પૂર 

હવામાન વિભાગે જણાવ્યું હતું કે આજે અને કાલે (13 ઓગસ્ટ) બિહારમાં ભારે વરસાદની શક્યતા છે. IMD એ પશ્ચિમ અને પૂર્વ ચંપારણ, સીતામઢી, શિવહર, મધુબની, અરરિયા, સુપૌલ અને કિશનગંજ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે ગંગા, કોસી, અને બુધીમાં પૂરની સ્થિતિ છે. ભાગલપુરના ઘણા વિસ્તારો ગંગા નદીના પાણી ફરી વળ્યા છે.

આગામી બે દિવસ સુધી યુપીમાં ભારે વરસાદની આગાહી 

હવામાન વિભાગે બે દિવસ દરમિયાન ઉત્તરપ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે  ગાઝીપુર, આઝમગઢ, મઉ, બલિયા, દેવરિયા, ગોરખપુર, સંત કબીર નગર, બસ્તી, કુશીનગર, મહારાજગંજ, સિદ્ધાર્થ નગર, ગોંડા, બલરામપુર, શ્રાવસ્તી, આંબેડકર નગર, સહારનપુર, બિજનૌર અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આગામી 6 દિવસ સુધી હિમાચલમાં વરસાદની આગાહી 

આગામી 6 દિવસ સુધી હિમાચલમાં રાહતની કોઈ શક્યતા નથી. રાજ્યમાં વરસાદ તબાહી મચાવશે. ધર્મશાલા, કાંગડા, ચંબા, ચુરાહ, કુલ્લુ, મંડી, જોગીન્દરનગર, સેરાજ, મનાલી, રેકોંગપીઓ, રામપુર બુશહર અને શિમલા સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત, ભૂસ્ખલન અંગે ચેતવણી જારી કરવામાં આવી છે. ચોમાસામાં ભારે વરસાદને કારણે રાજ્યને 1000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. રાજ્યમાં ઘણા રસ્તાઓ બંધ છે.  કેટલાક વિસ્તારોમાં સમયાંતરે વીજ પુરવઠો પણ ખોરવાઈ રહ્યો છે.

મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓડિશામાં પણ ભારે વરસાદની આગાહી 

હવામાન વિભાગે મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે જણાવ્યું હતું કે 13 ઓગસ્ટથી 17 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે.