IMD Weather Update: દેશભરમાં મેઘરાજાએ પોતાનુ રૌદ્ર રૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ચોમાસાનું દેશના તમામ ભાગોમાં બરાબરનું જામ્યુ છે. દેશના વિવિધ ભાગોમાં ચોમાસાની સિઝન ચાલુ છે. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. જો હવામાન વિભાગની વાત માનીએ તો વરસાદનો આ તબક્કો આગળ પણ ચાલુ રહેશે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.


ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વ મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.


બીજીબાજુ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને કોસ્ટલ કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.


આ રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ - 
આંદામાન અને નિકોબાર ટાપુઓ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ આંધી, વીજળી અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, પેટા-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 4 અને 5 ઓગસ્ટે હિમાચલ પ્રદેશના દૂરના વિસ્તારોમાં ભારે વરસાદની ગતિવિધિઓ જોવા મળી શકે છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં 06 ઓગસ્ટ સુધી સતત વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.


દિલ્હીનું હવામાન  - 
આ અઠવાડિયે દિલ્હીનું હવામાન ખુશનુમા રહેશે. હવામાન વિભાગે 6 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ગુરુવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીને અડીને આવેલા નોઈડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ સહિત NCRના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.


આ ઉપરાંત ઓડિશાના 12 થી વધુ જિલ્લામાં ભારે વરસાદને કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. સુંદરગઢ, ઝારસુગુડા, બારગઢ, બોલાંગીર, સોનપુર, સંબલપુર, દેવગઢ, અંગુલ, કેઓંઝર અને બૌધમાં ગુરુવારે (03 ઓગસ્ટ) ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી છે.