Weather Today Updates: દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ દિવસથી આકરી ગરમી પડી રહી છે. જો કે શુક્રવાર 9મી જૂનના રોજ લોકોને આકરા તડકામાંથી રાહત મળવાની છે. IMD અનુસાર, 9 જૂને હળવો વરસાદ થવાની સંભાવના છે, પરંતુ તેના કારણે તાપમાનમાં કોઈ ઘટાડો થશે નહીં. આ સિવાય હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 9મી જૂને દિલ્હી, હરિયાણા, રાજસ્થાનમાં વરસાદનું એલર્ટ છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભિવાની, ચરખી દાદરી, ફારુખનગર, કોસલી, સોહાના, રેવાડીની આસપાસના વિસ્તારોમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હળવોથી મધ્યમ વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. રાજસ્થાનના ચુરુ, શ્રીગંગાનગર, અલવર, હનુમાનગઢમાં ભારે વરસાદની સંભાવના છે. જેના કારણે વિભાગે રાજ્યના આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય બિકાનેર, કોટા, ઉદયપુર, શેખાવતી પ્રદેશ, જયપુર અને ભરતપુર ડિવિઝનમાં હળવો વરસાદ અને 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.


દેશમાં ક્યાં ક્યાં વરસાદ પડશે


કેરળ, લક્ષદ્વીપ, ઉત્તરાખંડ, મણિપુર, મિઝોરમ અને આંદામાન-નિકોબાર ટાપુઓ પર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. કર્ણાટક, આંદામાન-નિકોબાર, કેરળ અને માહેમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને તેજ પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ગુજરાત, આંધ્ર પ્રદેશ, યાનમ, તેલંગાણા, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડા અને વીજળીનો અંદાજ છે. 


હીટવેવની સ્થિતિ પ્રવર્તશે


હવામાન વિભાગે કહ્યું કે ઉત્તર પ્રદેશ, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહારના વિવિધ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તશે.






કેરળમાં ચોમાસાનું આગમન


ગુરુવારે કેરળના અનેક ભાગોમાં ભારે વરસાદ પડયો હતો તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. કેરળ અને તમિલનાડુના કન્નૌર, કોડાઈકેનાલ, અદિરામપત્તીનમ્ સુધી આ ચોમાસુ આવી પહોંચ્યું છે અને તેના પગલે કેરલમાં વ્યાપક વરસાદ વરસ્યો છે. જોકે, દેશમાં ચોમાસાના આગમનને 7 દિવસનો વિલંબ થયો છે. આગામી પખવાડિયામાં ચોમાસુ ગુજરાત પહોંચવાની શક્યતા છે.


કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્ય સચિવ શેખર લુકોસે કુરિઆકોસેએ કહ્યું હતું કે, રાજ્યમાં ચોમાસાના આગનની જાહેરાત પછી પહેલી ઓરેન્જ એલર્ટ કોઝિકોડેમાં જાહેર કરાઈ હતી. અહીં હળવાથી મધ્યમ વરસાદ ખાબક્યો હતો. સામાન્ય રીતે દેશમાં 1 જૂને જ કેરળમાં ચોમાસાનું આગમન થઈ જાય છે.  સામાન્ય રીતે કેરળમાં ચોમાસાના આગમન પછી તા.10 જૂને મહારાષ્ટ્રમાં, તા.15 જૂને દક્ષિણ ગુજરાતમાં, તા.20 જૂને રાજકોટ સુધીના વેરાવળ,જુનાગઢ સુધીના વિસ્તારમાં અને તા.25 જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અને તા.30 જૂન સુધીમાં કચ્છ સહિત વિસ્તારોમાં પ્રવેશતું હોય છે.