નવી દિલ્લીઃ પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠક પર મમતા બેનરજીની જીત લગભગ પાકી થઈ ગઈ છે. બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી બારમા રાઉન્ડના અંતે ભાજપનાં પ્રિયંકા ટિબરેવાલ સામે 35 હજાર કરતાં વધારે મતથી આગળ હતાં. મમતાની જીત પાકી થતાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો મમતાના નિવાસસ્થાનની બહાર એકઠા થઈ ગયા છે અને મમતાની જીતનો જશ્ન શરૂ થઈ ગયો છે.


પશ્ચિમ બંગાળમાં શમશેરગંજ અને જંગીપુર બેઠક પર પણ મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ આગળ છે. શમશેરગંજ બેઠક પર અગિયારમા રાઉન્ડના અંતે તૃણમૂલ કોંગ્રેસનાં અમીરૂલ ઈસ્લામ કોંગ્રેસના ઝૈદુર રહેમાન કરતાં લગભગ છ હજાર મતે આગળ હતા જ્યારે ભાજપ છેક ત્રીજા સ્થાને હતો. ભાજપના મિલન દાસને માત્ર 4817 મત મળ્યા હતા. જંગીપુર બેઠક પર બારમા રાઉન્ડના અંતે તૃણમૂલ કોંગ્રેસનાં ઝાકિર હુસૈન ભાજપના સુજિત દાસ કરતાં 33 હજાર કરતાં વધારે મતે આગળ હતાં. હાલની સ્થિતી જોતાં તૃણમૂલ કોંગ્રેસ ત્રણેય બેઠક પર જીત મેળવશે એ નક્કી છે.


આ વરસના એપ્રિલ-મેમાં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસે ભાજપને કારમી હાર આપી હતી. મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ અત્યારે તમામ ત્રણેય બેઠક પર પણ એ જ ઈતિહાસ દોહરાવશે અને ભાજપનો સફાયો કરશે એવું લાગે છે. ભાજપ ત્રણમાંથી એક પણ બેઠક પર ચિત્રમાં નથી. શમશેરગંજ બેઠક પર તૃણમૂલ કોંગ્રેસનાં અમીરૂલ ઈસ્લામને કોંગ્રેસના ઝૈદુર રહેમાન ટક્કર આપી રહ્યા છે જ્યારે બાકીની બે બેઠકો પર તો તૃણમૂલની જીતની ઔપચારિકતા જ બાકી રહી છે. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ જીતનો જશ્ન શરૂ કરી દીધો છે.


મમતા બેનરજી જ્યાંથી લડી રહ્યાં છે એ ભવાનીપુરમાં 21 રાઉન્ડની મતગણતરી થશે. આ સિવાય  જંગીપુરમાં 24 અને શમશેરગંજમાં 26 રાઉન્ડની મતગણતરી થશે. મત ગણતરી દરમિયાન અધિકારીઓને માત્ર પેન અને કાગળનો ઉપયોગ કરવાની છૂટ છે પણ રિટર્નિંગ અધિકારીઓ અને નિરીક્ષકો ફોનનો ઉપયોગ કરી શકે છે.