West Bengal Bypoll Result: પશ્ચિમ બંગાળની ચાર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. પેટાચૂંટણીમાં ક્લીન સ્વીપ કરીને ટીએમસીએ વિરોધ પક્ષોને હરાવ્યા છે. બંગાળની ચારેય સીટો રાયગંજ, બાગદા, રાણાઘાટ અને માનિકતલા પર ટીએમસીના ઉમેદવારોએ શાનદાર જીત મેળવી છે. રાયગંજ બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર કૃષ્ણા કલ્યાણીએ ભાજપના ઉમેદવાર માનસ કુમાર ઘોષને 49 હજારથી વધુ મતોના અંતરથી હરાવ્યા હતા.


 






રાયગંજ બાદ ટીએમસીએ બાગદા અને રાણાઘાટ સીટ પણ જીતી છે. બાગદા સીટ પર ટીએમસીના ઉમેદવાર મધુપર્ણાએ ભાજપના ઉમેદવાર બિનય કુમારને 30 હજારથી વધુના માર્જીનથી હરાવ્યા હતા. આ ચાર સીટો પર બંગાળના સીએમ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સીધો મુકાબલો જોવા મળ્યો હતો. ટીએમસીએ એવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે કે જેઓ રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બાગદા અને માનિકતલામાં સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવે છે. તે જ સમયે ભાજપે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ કલ્યાણ ચૌબે જેવા અગ્રણી લોકોને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.


બંગાળ ઉપરાંત બિહાર, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશની 9 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો માટે 10 જુલાઈએ મતદાન થયું હતું.


લોકસભા ચૂંટણી બાદ બુધવારે (10 જુલાઈ)ના રોજ સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. આ તમામ બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ હતી. આ ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના પત્ની કમલેશ ઠાકુર સહિત ઘણા દિગ્ગજ ઉમેદવારો મેદાનમાં છે. જે બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ છે તેમાં પશ્ચિમ બંગાળની રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બાગદા અને મણિકતલા, ઉત્તરાખંડની બદ્રીનાથ અને મેંગ્લોર, પંજાબની પશ્ચિમ જલંધર, હિમાચલ પ્રદેશની દહેરા, હમીરપુર અને નાલાગઢ, બિહારની રૂપૌલી, તમિલનાડુની વિક્રવંદી અને મધ્યપ્રદેશની અમરવાડા બેઠકનો સમાવેશ થાય છે.