કોલકાતા: વડાપ્રધાન નરેન્દ્ર આજે કોલકાતાના બ્રિગેડ મેદાન ખાતે એક વિશાળ રેલીને સંબોધન કરશે. જેમાં અભિનેતા મિથુન ચક્રવર્તી પણ હાજર રહેશે અને ભાજપમાં જોડાશે. રેલીમા ભાગ લેવા માટે મિથુન ચક્રવર્તી કોલકાતા પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી બપોરે 2 વાગ્યે બ્રિગેડ ગ્રાઉન્ડ પહોંચશે. એવામાં હવે એવી અટકળોએ જોર પકડ્યું છે કે, મિથુન ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે.


મિથુન ચક્રવર્તી ગઈકાલે મોડી રાત્રે ભાજપના બંગાળના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયને મળ્યા હતા. મિથુન આજે બપોરે 12 વાગ્યે બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે ભાજપમાં જોડાશે. દિલીપ ઘોષ, કૈલાસ વિજયવર્ગીય તેમને ધ્વજ ધારણ કરાવીને ભાજપની સદસ્યતા અપાવશે.

પીએમ મોદીની સાથે રેલીમાં ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. મિથુન સિવાય બીજો એક મોટો સવાલ છે કે, શું ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી પણ ભાજપમાં જોડાશે? બે દિવસ બાદ કોલકાતામાં યોજાનારી પીએમ મોદીની રેલીમાં સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. જોકે ગાંગુલી પર સસ્પેન્સ યથાવત છે.

ઉલ્લેખનીય છે કે મિથુન ચક્રવર્તી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. તેમને મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ રાજ્યસભામાં મોકલ્યા હતા, અને તે એપ્રિલ 2014થી ડિસેમ્બર 2016 સુધી ગૃહમાં રહ્યા હતા.

ખાસ વાત છે કે બંગાળમાં 294 બેઠકો માટે આઠ તબક્કામાં મતદાન યોજાવવાનુ છે. પહેલા તબક્કામાં 38 બેઠકો પર મતદાન થશે, બીજા તબક્કાનુ મતદાન 1 એપ્રિલે થશે. આ અંતર્ગત 30 બેઠકો પર લોકો મતદાન કરશે. ત્રીજા તબક્કાના મતદાન માટે 6 એપ્રિલનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે, જ્યાં 31 બેઠકો પર લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.