મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યા પછી રાજ્યપાલે પશ્ચિમ બંગાળ વિધાનસભા ભંગ કરી છે. લોકભવનમાંથી ગુરુવારે સાંજે તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું. બંગાળની ચૂંટણીમાં કારમી હાર બાદ મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો, જેના પગલે રાજ્યપાલે આ નિર્ણય લીધો હતો. આ સમગ્ર નિર્ણય બંધારણીય પ્રક્રિયા અનુસાર લેવામાં આવ્યો હતો.
મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો
તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ મંગળવારે (6 મે, 2026) મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો "જનાદેશ નહીં પણ એક ષડયંત્ર" હતા. તેમણે વિપક્ષ "ઈન્ડિયા" ગઠબંધનને મજબૂત કરવા માટે રસ્તાઓ પર ઉતરવાની પણ પ્રતિજ્ઞા લીધી હતી.
મમતા બેનર્જીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસે ભાજપ સામે ચૂંટણી લડી ન હતી, પરંતુ ભાજપ માટે કામ કરતા ચૂંટણી પંચ સામે ચૂંટણી લડી હતી. તેમણે કહ્યું, "મારા રાજીનામાનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે અમારી હાર લોકોના જનાદેશને કારણે નહીં, પરંતુ એક ષડયંત્રને કારણે હતી. હું હારી નથી, હું લોકભવનમાં જઈશ નહીં. લગભગ 100 બેઠકો પર જનાદેશ ચોરી લેવામાં આવ્યો હતો, અને તેમના પક્ષનું મનોબળ ઓછું કરવા માટે મત ગણતરી જાણી જોઈને ધીમી કરવામાં આવી હતી."
બંગાળમાં થયેલી હાર બાદ મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ હવે રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી ગઠબંધનને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું, " ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ મને ફોન કરીને એકજૂટતા વ્યક્ત કરી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ મારી સાથે વાત કરી."
આ પણ વાંચો- ‘TVK ને સરકાર માટે ન બોલાવવી જનાદેશનું અપમાન’, રાજ્યપાલની શરત પર DMK-MNM અને VCK નો વિજયને સાથ
પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રથમ સરકારનો શપથ ગ્રહણ સમારોહ 9 મેના રોજ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેમાં આશરે 4,000 પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને અનેક ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.
