નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળમાં ચૂંટણી બાદ રાજકીય હિંસા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે પશ્વિમ બંગાળના રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. એક રિપોર્ટસ અનુસાર, ત્રિપાઠીએ ગૃહમંત્રીને રાજ્યમાં રાજકીય હિંસા અને હાલની પરિસ્થિતિ પર 48 પેજનો રિપોર્ટ સોંપ્યો હતો. જોકે, આ મુલાકાતને ત્રિપાઠીએ ફક્ત શુભેચ્છા મુલાકાત કરાવી હતી. રાજ્યપાલ ત્રિપાઠીએ કહ્યું કે, તેમણે ફક્ત રાજ્યની સ્થિતિ અંગે વડાપ્રધાન અને ગૃહમંત્રીને જાણકારી આપી હતી.


આ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર બંગાળમાં હિંસા ફેલાવવા અને તેમની સરકારને પાડવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. બેનર્જીએ કહ્યું કે, તે કોઇને પણ તેમની સરકાર તોડવા નહી દે.


માનવામાં આવી રહ્યું છે કે આ અગાઉ પશ્વિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિને લઇને એડવાઇઝરી જાહેર કર્યાના એક દિવસ બાદ ગૃહમંત્રી અમિત શાહે સોમવારે આંતરિક સુરક્ષા મામલા પર ઉચ્ચસ્તરિય બેઠક કરી હતી. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર રહ્યા હતા.

શાહ સાથે મુલાકાત બાદ રાજ્યપાલ ત્રિપાઠીએ પત્રકારોને કહ્યું કે, મેં વડાપ્રધાન મોદી અને અમિત શાહને બંગાળની સ્થિતિની જાણકારી આપી હતી. હું વિસ્તૃત જાણકારી આપી શકુ નહીં. બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની સંભાવનાઓ અંગે પૂછતા તેમણે કહ્યું કે, બેઠક દરમિયાન એવી કોઇ વાતચીત થઇ નથી.