કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM mamata banerjee) માટે વિધાનસભા પેટા ચૂંટણીનો રસ્તો સાફ થઈ ગયો છે. રાજ્યના સત્તાધારી પક્ષ તૃણમૂલ કૉંગ્રેસ (TMC) નેતા શોભનદેવ ચટ્ટોપાધ્યાયે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી  દીધું છે. તેઓ ભવાનીપૂર વિધાનસભા સીટ પરથી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. 


આ વિધાનસભા બેઠક મુખ્યમંત્રી મમતા બેનર્જીની પરંપરાગત બેઠક રહી છે. પરંતુ જ્યારે સીએમ મમતા બેનર્જી વિધાનસભાની ચૂંટણીમાં શુભેન્દુ અધિકારી સામે લડવા નંદીગ્રામ બેઠક પર ગયા હતા, ત્યારે શોભનદેવનને ભવાનીપૂર બેઠક પર  મેદાનમાં ઉતાર્યા હતા.


 
પરંતુ નંદીગ્રામ સીટ પર ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીને સામે મમતા બેનર્જી 1953 મતોથી હાર્યા હતા. એવામાં હવે મમતાએ ફરીથી વિધાનસભા સુધી પહોંચવા માટે પેટા-ચૂંટણી જીતવી જરૂરી છે.



તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક ગુમાવનાર મમતા બેનર્જીએ છ મહિનાની અંદર મુખ્યમંત્રી પદ પર રહેવા માટે વિધાનસભાના સભ્ય બનવું જરૂરી છે. ચટ્ટોપાધ્યાયે કહ્યું કે આ પાર્ટીનો નિર્ણય છે અને તેઓ તેનું પાલન કરશે. 



કૃષિ મંત્રી ચટ્ટોપાધ્યાયે 'પીટીઆઈ-ભાષા' ને કહ્યું હતું કે 'હું આજે ભવાનીપુર બેઠક પરથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી રહ્યો છું. આ મારો અને પાર્ટીનો નિર્ણય છે. હું ખુશીથી તેનું પાલન કરી રહ્યો છું. સૂત્રોએ જણાવ્યું હતું કે 70 વર્ષીય ચટ્ટોપાધ્યાય ખરદાહ બેઠક પરથી કિસ્મત અજમાવે તેવી સંભાવના છે, જ્યાં પક્ષના ધારાસભ્ય કાજલ સિંહાના અવસાન પછી પેટા-ચૂંટણી યોજાવાની છે.