પશ્ચિમ બંગાળમાં ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ હવે ભાજપને મોટો ઝાટકો લાગવાની તૈયારી છે. ટીએમસી છોડીને ભાજપમાં જોડાયેલા મોટા નેતા મુકુલ રોય ફરી ટીએમસીમાં પાછા જોડાઈ શકે છે. કહેવાય છે કે આજે સાંજે મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળીને ફરીથી પક્ષમાં જોડાઈ શેક છે. આ બેઠકમાં અભિષેક બેનર્જી પણ હાજર રહી શકે છે. નોંધનીય છે કે, વિધાનસાબમાં ટીએમસીને મળેલી શાનદાર જીત બાદ અનેક જૂના નેતા ફરીથી ટીએમસીમાં આવવા ઇચ્છે છે. જેમાં મુકુલ રોયનું નામ સૌથી ઉપર હતું.


મુકુલ રૉય, બીજેપીમાં શુભેંદુ અધિકારીના વધતા કદથી નારાજ હોવાનું કહેવાય છે. આ જ કારણ છે કે તેઓ પોતાની જૂની પાર્ટીમાં પાછા ફરી રહ્યા છે. ચૂંટણી પરિણામો બાદ જ મુકુલ રૉય ફરીથી ટીએમસીમાં પાછા જવા ઇચ્છતા હતા. ટીએમસી નેતા સૌગત રૉયે કહ્યું હતુ કે, એવા અનેક લોકો છે કે જે અભિષેક બેનર્જીના સંપર્કમાં છે અને ફરીથી ટીએમસીમાં જોડાવવા માગે છે. મને લાગે છે કે પાર્ટી છોડીને પાછા જનારાઓને 2 કેટેગરીમાં વહેંચવામાં આવી શકે છે, આ છે  સૉફ્ટલાઇનર અને હાર્ડલાઇનર. સૉફ્ટલાઇનર એ છે જેમણે પાર્ટી તો છોડી, પરંતુ મમતા બેનર્જીનું અપમાન નથી કર્યું. હાર્ડલાઇનર એ છે, જેમણે મમતા બેનર્જી વિશે સાર્વજનિક રીતે નિવેદન આપ્યું. મુકુલ રૉયે મમતા બેનર્જી પર વ્યક્તિગત રીતે કોઈ આરોપ નહોતો લગાવ્યો. તેમને સૉફ્ટ લાઇનર માનવામાં આવે છે.


ઉલ્લેખનીય છે કે, મમતા બેનર્જીના નજીકના રહેલા રોય પાર્ટી છોડનારા પ્રથમ નેતા હતા. તેમણે 2017માં પાર્ટી છોડી દીધી હતી. બાદમાં તેમણે જ અનેક ટીએમસી નેતાઓ અને ધારાસભ્યોને તોડીને ભાજપમાં લઈ ગયા હતા. કહેવાય છે કે હવે કુલ 35 જેટલા નેતાઓ ફરીથી ટીએમસીમાં જોડાવવા માગે છે. મુકુલ રૉયની ટીએમસીમાં ઘર વાપસીની અટકળો ત્યારે શરૂ થઈ ગઈ હતી, જ્યારે અભિષેક બેનર્જી હૉસ્પિટલમાં ભરતી રૉયની પત્નીના ખબર અંતર પૂછવા ગયા હતા.


બીજી બાજુ ટીએમસી નેતાઓનું માનવું છે કે આ બીજેપી નેતાઓને એક સાથે રાખવાનો પ્રયત્ન છે. તાજેતરમાં જ અનેક બીજેપી નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. આ નેતાઓમાં અધિકારીનું નામ પણ સામેલ હતુ.