શું છે Lazy Girl Jobs જોબ કલ્ચર? જે Gen Zમાં ઝડપથી વધી રહ્યું છે, શું છે તેની પાછળનું કારણ
આ બદલાતા સમયમાં શું સફળતા ફક્ત વધુ અને લાંબો સમય મહેનત કરવાથી જ મળે છે. આ પ્રશ્ન આજકાલ ચર્ચાનો વિષય બની રહ્યો છે.

આજના સમયમાં, યુવાનોના કામ અને કારકિર્દી પ્રત્યેના દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યા છે. પહેલા લોકો માનતા હતા કે, સફળતા માટે સખત અને સતત લાંબા ગાળાની મહેનત જરૂરી છે. પરંતુ હવે, ઘણા યુવાનો આ ધારણાને પડકાર આપી રહ્યા છે. લેઝી ગર્લ જોબ કલ્ચર તરીકે ઓળખાતો વર્કપ્લેનનો ટ્રન્ડ દર્શાવે છે કે, સફળતા હંમેશા સખત મહેનતથી મળતી નથી. ઘણા યુવાનો હવે લવચીક કામના કલાકો, સંતુલિત કાર્યભાર અને કાર્ય-જીવનના વધુ સારા સંતુલનને પ્રાથમિકતા આપી રહ્યા છે. તેઓ માને છે કે ઓછો તણાવ, સંતુલિત કાર્યશૈલી તેમને વ્યવસ્થિત કાર્ય પણ સફળતા તરફ દોરી શકે છે.
સોમવાર સવારે 9:30 વાગ્યે, 26 વર્ષીય માર્કેટિંગ એક્ઝિક્યુટિવ રિયા ગુરુગ્રામમાં પોતાના ફ્લેટ પરથી લેપટોપમાં લોગ-ઈન કરે છે. તેનું શેડ્યૂલ પહેલેથી નક્કી છે- બે મીટિંગ્સ, એક કેમ્પેઈન અપડેટ અને સાંજ સુધીમાં જમા કરાવવાનો રિપોર્ટ. સાંજે 5:30 વાગ્યા સુધીમાં રિયા પોતાનું લેપટોપ બંધ કરી દે છે અને યોગા ક્લાસ માટે નીકળી જાય છે. રિયાની આ દિનચર્યા તેના ગયા વર્ષના કામ કરતા ઘણી અલગ છે. પહેલા તે તણાવભરી કન્સલ્ટિંગની નોકરી કરતી હતી, જ્યાં મોડી રાત સુધી ઈમેલ ચેક કરવા પડતા હતા.
સમયની સાથે સતત કામના દબાણને કારણે રિયા થાકવા લાગી અને વિચારવા લાગી કે શું તે એવું કરિયર ઈચ્છે છે જેમાં કામ સિવાય બીજું કોઈ જીવન જ ન બચે? પરિવાર માટે થોડો સમય કાઢવો પણ મુશ્કેલ થઈ જાય. પરંતુ હવે તેની નોકરીમાં સ્થિર પગાર, નિર્ધારિત સમય અને કામ પછી આરામ કરવાની આઝાદી છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારની નોકરીઓને ક્યારેક 'લેઝી ગર્લ જોબ્સ' તરીકે ઓળખવામાં આવે છે. આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગી શકે છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે, આ વિશ્વમાં બદલાતી વિચારધારાને દર્શાવે છે. નોકરી કરતા ઘણા યુવાનો હવે નક્કી કરી રહ્યા છે કે, પોતાના અંગત જીવનનો ભોગ આપ્યા વગર એક સારું અને સ્થાયી કરિયર કેવું હોવું જોઈએ.
'લેઝી ગર્લ જોબ્સ' આજના યુગમાં એક ટ્રેન્ડી શબ્દ છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેનો અર્થ છે, એવી નોકરીઓ જે ઓછો તણાવ ધરાવતી હોય, કામના કલાકો ફ્લેક્સિબલ હોય અને ઓવરટાઈમ વગર સારો પગાર આપતી હોય. આ નોકરીઓમાં સામાન્ય રીતે ઓછી જવાબદારીઓ હોય છે, જેનાથી નોકરી કરનારા લોકો આરામથી વર્ક-લાઈફ બેલેન્સ કરી શકે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે લોકો કામથી સંપૂર્ણપણે બચવા માંગે છે. વાસ્તવમાં, આ એ વિચારને પડકારે છે કે સફળતા માત્ર સતત મહેનત કરવાથી જ મળે છે. ઘણા Gen Z પ્રોફેશનલ્સનું લક્ષ્ય ખૂબ જ સરળ છે જેમ કે કામને સ્માર્ટ રીતે પૂરું કરવું, સારી કમાણી કરવી અને પછી પોતાના પર્સનલ લાઈફ માટે સમય કાઢવો.
વર્કપ્લેસ પર કરવામાં આવેલા સંશોધનો દર્શાવે છે કે વધુ પડતો તણાવ યુવા કર્મચારીઓના કામ અને કરિયરની પદ્ધતિને અસર કરે છે. ગેલપના 'સ્ટેટ ઓફ ધ ગ્લોબલ વર્કપ્લેસ' રિપોર્ટ અનુસાર, 76% કર્મચારીઓ ક્યારેક કામમાં તણાવ અનુભવે છે, જ્યારે લગભગ 28% કર્મચારીઓ અવારનવાર અથવા હંમેશા તણાવમાં રહેવાની વાત કરે છે. વધુ તણાવમાં રહેવાના ગંભીર પરિણામો આવી શકે છે. ગેલપના સંશોધન મુજબ, જે કર્મચારીઓ વારંવાર અતિશય તણાવનો અનુભવ કરે છે, તેઓ વારંવાર બીમાર પડે છે અને તેમના રજા લેવાની શક્યતા 63% વધુ હોય છે. આ સાથે જ તેઓ બીજી નોકરી શોધવાની શક્યતા પણ ઘણી વધારે રાખે છે. ગેલપના આંકડા મુજબ, વિશ્વભરમાં માત્ર 33% કર્મચારીઓ જ કહે છે કે તેઓ પોતાના જીવનમાં સફળતાનો અનુભવે છે. આનાથી કર્મચારીઓની સુખ-સુવિધા અને સુખાકારીને લઈને વધતી ચિંતા સ્પષ્ટ દેખાય છે.
સર્વેક્ષણો દર્શાવે છે કે, આજકાલના યુવા પ્રોફેશનલ્સ કરિયરમાં ઉચ્ચ સફળતાને બદલે પોતાના સ્વાસ્થ્ય અને ખુશખાલ જીવનને પ્રાથમિકતા આપી રહ્યા છે. ડેલૉઈટ (Deloitte) ના ગ્લોબલ Gen Z અને મિલેનિયલ સર્વેમાં 44 દેશોના 22,000 થી વધુ લોકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા, જેમાં જાણવા મળ્યું છે કે Gen Z ના 46% લોકો કામ દરમિયાન ઘણીવાર તણાવ અથવા ચિંતા અનુભવે છે, જ્યારે લગભગ અડધા લોકોએ કહ્યું કે વધુ કામના દબાણને કારણે તેઓ થાક અનુભવે છે. ભારતમાં પણ યુવા કર્મચારીઓ ફાઈનાન્શિયલ સ્થિરતા અને નોકરીની સુરક્ષા સાથે વર્ક-લાઈફ બેલેન્સને પ્રાથમિકતા આપી રહ્યા છે.





















