Patra Chawl Land Scam Case: પત્રા ચૉલ જમીન કૌભાંડમાં ઈડીએ આજે મંગળવારે શિવસેનાના સાંસદ સંજય રાઉતના સહયોગી પ્રવીન રાઉતની 9 કરોડની સંપત્તી અને સંજય રાઉતની પત્ની વર્ષાની 2 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. પત્રા ચૉલ લેન્ડ સ્કેમ 1034 કરોડ રુપિયાનું કૌભાંડ છે. 


કઈ રીતે થયું કૌભાંડ?
મુંબઈના ગોરેગાંવમાં પત્રા ચૉલ આવેલી છે જે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલોપમેન્ટ (MHADA)ના પ્લોટ છે. આરોપો પ્રમાણે પ્રવીન રાઉતની કંપની ગુરુ આશીષ કંસ્ટ્રક્શને પત્રા ચૉલ ડેવલોપ કરવાનું કામ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન ગુરુ આશીષ કંસ્ટ્રક્શને આ જમીનના કેટલાક ભાગોને ખાનગી બિલ્ડરોને વેચી દીધા હતા.


પ્રવીન રાઉત ઉપર આરોપ છે કે તેમણે પત્રા ચૉલમાં રહેતા લોકો સાથે છેતરપિંડી કરી છે. ગુરુ આશીષ કંસ્ટ્રક્શને પત્રા ચૉલના 3 હજાર ફ્લેટ બનાવવાના હતા જેમાંથી 672 ફ્લેટ અહીંના ટેનેંટને આપવાના હતા. બાકીના MHADA અને ડેવલપર વચ્ચે વહેંચવાના હતા. પરંતુ વર્ષ 2010માં પ્રવીન રાઉતે ગુરુ આશીષ કંસ્ટ્રક્શન કંપનીના 25 ટકા શેર એચડીઆઈએલને વેચી દીધા હતા. 2011, 2012 અને 2013માં પ્લોટના ઘણા ભાગોને બીજા પ્રાઈવેટ બિલ્ડરોને આપવામાં આવ્યા હતા.


સંજય રાઉતનું શું કનેક્શન?
2020માં પીએમસી બેંક કૌભાંડની તપાસ દરમિયાન ગુરુ આશીષ કંસ્ટ્રક્શન કંપનીનું નામ ખુલ્યું હતું. પ્રવીન રાઉતની પત્ની માધુરી રાઉતના ખાતામાંથી વર્ષ 2010માં સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને 55 લાખ રુપિયા લોન રુપે આપવામાં આવ્યા હતા. આરોપ છે કે, આ પૈસાથી જ મુંબઈના દાદર વિસ્તારમાં સંજય રાઉતે ફ્લેટ ખરીદ્યો હતો. 


ઈડીએ જે સંપત્તિ ટાંચમાં લીધી છે તેમાં પ્રવીન રાઉતના અલીબાગમાં આવેલી જમીનના 8 પ્લોટ અને વર્ષા રાઉતનો એક પ્લોટ છે. ઉલ્લેખનીય છે કે, પ્રવીન રાઉતની આ મામલે પહેલાં જ ધરપકડ થઈ ચુકી છે. ઈડીએ આ પહેલાં પ્રવીન રાઉત સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. ચાર્જશીટમાં પ્રવીન રાઉત, સારંગ વાધવાન, એચડીઆઈએલના રાકેશ વાધવાન, ગુરુ આશીષ કંસ્ટ્રક્શન અને અન્યના નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યા હતા.