Parliament New Building Construction: ભારતીય સંસદની નવી ઇમારતનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. આ દરમિયાન એવા સમાચાર છે કે નવી ઇમારતમાં સંસદનું સત્ર શરૂ થવામાં હજુ થોડો સમય લાગી શકે છે. વર્તમાન સંસદ ભવનના પ્રાંગણમાં નવી ઇમારતનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અગાઉ એવી ધારણા હતી કે નવેમ્બરમાં શરૂ થનારું શિયાળુ સત્ર આ વર્ષે નવા બિલ્ડિંગમાં યોજાશે પરંતુ તેમાં વિલંબ થઈ શકે છે.


એબીપી ન્યૂઝને આ અંગે વિશેષ માહિતી મળી છે. મળતી માહિતી મુજબ, નવી ઇમારતનું નિર્માણ કાર્ય તેના નિર્ધારિત સમય કરતાં થોડું પાછળ ચાલી રહ્યું છે. આનું કારણ જાણી શકાયું નથી, પરંતુ તેના કારણે નવા બિલ્ડિંગમાં સંસદની કાર્યવાહી શરૂ થવામાં થોડો વધુ સમય લાગી શકે છે.


નવા ઇમારતમાં કામકાજ શરૂ થવામાં કેટલો સમય લાગશે?


એબીપી ન્યૂઝને સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જો સંસદની નવી ઇમારતના નિર્માણની ગતિ એવી જ રહેશે તો આગામી વર્ષના બજેટ સત્રથી જ નવા બિલ્ડિંગમાં સંસદની કાર્યવાહી શરૂ થશે. અગાઉ તે આ વર્ષના શિયાળુ સત્રથી શરૂ થવાની ધારણા હતી અને તેના માટે નિર્માણ કાર્ય પણ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. દર વર્ષે બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થાય છે.


1 ઓક્ટોબર 2020 ના રોજ પાયો નાખવામાં આવ્યો હતો


સંસદની નવી ઇમારતના નિર્માણનો પાયો 1 ઓક્ટોબર 2020 ના રોજ નાખવામાં આવ્યો હતો, જ્યારે તેનું નિર્માણ કાર્ય ડિસેમ્બરમાં શરૂ થયું હતું. આ ચાર માળની ઈમારતને બનાવવા માટે અંદાજે 860 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. નવી ઇમારત 65000 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવી રહી છે. નવી બિલ્ડીંગમાં કુલ 1272 સાંસદોને બેસવા માટે બે અલગ-અલગ ચેમ્બર બનાવવામાં આવશે. લોકસભામાં કુલ 888 અને રાજ્યસભામાં 384 સાંસદો માટે બેઠક વ્યવસ્થા હશે.