નવી દિલ્હી: સોમવારે રાજધાની દિલ્હીમાં એક કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. લાલ કિલ્લાની સામે આવેલા ગેટ નંબર 1 પાસે આ વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેમાં અનેક વાહનો સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થયા હતા. દિલ્હીમાં થયેલા આ કાર બ્લાસ્ટમાં કુલ 12 લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, આ વિસ્ફોટ એક કારમાં રાખેલા વિસ્ફોટકોને કારણે થયો હતો. પોલીસ ટીમો હાલમાં તેમાં સવાર લોકો અને તેમના સાથીઓ વિશે માહિતી એકત્રિત કરી રહી છે. આ દરમિયાન, જે કારમાં વિસ્ફોટ થયો તેનું લોકેશન પણ  સામે આવ્યું છે, જેમાં કાર આ વિસ્ફોટ પહેલા ક્યાં ગઈ હતી તે સામે આવ્યું છે. 

Continues below advertisement


દિલ્હીમાં ક્યાં-ક્યાં ગઈ હતી કાર ?


હકીકતમાં, જે કારમાં વિસ્ફોટ થયો તે હ્યુન્ડાઇ i20 છે. 10 નવેમ્બરના રોજ કારની એન્ટ્રી અને લોકેશન અંગેની માહિતી સામે આવી છે. વિસ્ફોટના દિવસે કારની ગતિવિધિ નીચે મુજબ હતી:


સવારે 8:04 - કાર બદરપુર ટોલ બૂથ થઈને દિલ્હીમાં પ્રવેશી હતી.
સવારે 8:20 - કાર ઓખલા ઔદ્યોગિક વિસ્તાર નજીક પેટ્રોલ પંપ પર જોવા મળી હતી.
બપોરે 3:19 - કાર લાલ કિલ્લાની નજીકના પાર્કિંગ વિસ્તારમાં પ્રવેશી હતી.
સાંજે લગભગ 6:00 વાગ્યે - કાર લાલ કિલ્લાના પાર્કિંગ વિસ્તારમાંથી બહાર નીકળતી જોવા મળી.
આ સિવાય કાર દરિયાગંજ, કાશ્મીરી ગેટ અને સુનેહરી મસ્જિદ પાસે પણ જોવા મળી હતી.


પુલવામાં કનેક્શન 


દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયેલા કાર વિસ્ફોટમાં પુલવામા કનેક્શન બહાર આવ્યું છે. નોંધનીય છે કે આ કારમાં થયેલા વિસ્ફોટને જમ્મુ અને કાશ્મીરના પુલવામા સાથે પણ જોડવામાં આવ્યો છે. એવું પણ જાણવા મળ્યું છે કે i-20 કારમાં લાલ કિલ્લા પાસે સાંજે 6:52 વાગ્યે વિસ્ફોટ થયો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે કાર પર હરિયાણાની નંબર પ્લેટ હતી. કારનો નંબર HR 26 7624 હતો. આ i-20 કાર સલમાન નામના વ્યક્તિની હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સલમાનને કસ્ટડીમાં લીધો છે. પૂછપરછ દરમિયાન મોહમ્મદ સલમાને ખુલાસો કર્યો હતો કે તેણે દોઢ વર્ષ પહેલા દિલ્હીના ઓખલાના રહેવાસી દેવેન્દ્રને પોતાની કાર વેચી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે દેવેન્દ્રએ આ કાર હરિયાણાના અંબાલામાં કોઈને વેચી હતી. વધુ તપાસમાં કારનું પુલવામા કનેક્શન બહાર આવ્યું હતું. જાણવા મળ્યું હતું કે કાર ઘણી વખત ખરીદી અને વેચવામાં આવી હતી. આ શ્રેણીમાં, કાર પુલવામાના તારીકને વેચવામાં આવી હતી.