લોકસભામાં આજે પણ ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું અને કહ્યું કે સેનાએ ઓપરેશન મહાદેવમાં પહલગામના ગુનેગારોને ઠાર માર્યા છે. તેમણે ગૃહને માર્યા ગયેલા આતંકવાદીઓ પાકિસ્તાની હોવાના પુરાવા વિશે પણ માહિતી આપી હતી.

કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ સેનાની બહાદુરીને સલામ કરી અને કહ્યું હતું કે સ્વતંત્રતા અહિંસાના આંદોલનથી મળી પરંતુ 1948માં પાકિસ્તાન તરફથી પહેલી ઘૂસણખોરી થઈ ત્યારથી સેનાએ આપણી અખંડિતતાને અકબંધ રાખવામાં ઘણું યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે મંત્રીઓએ બધા પાસાઓની ગણતરી કરી, ઇતિહાસનો પાઠ પણ શીખવ્યો, પરંતુ એક વાત રહી ગઈ. પહલગામમાં હુમલો કેવી રીતે થયો, કેમ થયો? આ પ્રશ્ન હજુ પણ પરેશાન કરી રહ્યો છે.

પ્રિયંકા ગાંધીએ શુભમ દ્વિવેદીની પત્નીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું હતું કે લોકો સરકાર પર વિશ્વાસ કરીને પહલગામ ગયા હતા, સરકારે તેમને ભગવાન ભરોસે છોડી દીધા. હુમલા માટે કોણ જવાબદાર છે? શું નાગરિકોની સુરક્ષા સંરક્ષણ પ્રધાનની જવાબદારી નથી, શું ગૃહ પ્રધાનની જવાબદારી નથી? તેમણે TRFની સ્થાપના, તેની ગતિવિધિઓ અને તેને આતંકવાદી સંગઠન ગણાવવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે એવી કોઈ સરકારી એજન્સી નથી જેને ખ્યાલ હોય કે આવા ભયાનક હુમલાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શું આ એજન્સીઓની નિષ્ફળતા છે કે નહીં? આ એક મોટી નિષ્ફળતા છે. 

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે શું સેના પ્રમુખે, શું ગુપ્તચર વડાએ રાજીનામું આપ્યું? શું ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું? રાજીનામાની વાત તો છોડી દો તેમણે જવાબદારી પણ લીધી નથી. તમે ઇતિહાસની વાત કરો છો, હું વર્તમાનની વાત કરીશ. તમે 11 વર્ષથી સત્તામાં છો. ગઈકાલે હું જોઈ રહી હતી જ્યારે ગૌરવ ગોગોઈ જવાબદારી વિશે વાત કરી રહ્યા હતા, ત્યારે રાજનાથ સિંહ માથું હલાવી રહ્યા હતા, પરંતુ ગૃહમંત્રી હસતા હતા. તેમણે ગઈકાલે કહ્યું હતું કે મુંબઈ હુમલા પછી મનમોહન સરકારે કંઈ કર્યું નહીં. જ્યારે ઘટના ચાલી રહી હતી ત્યારે ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને એક બચી ગયો હતો જેને પકડવામાં આવ્યો હતો અને બાદમાં ફાંસી આપવામાં આવી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને દેશના ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું હતું. ઉરી-પુલવામા સમયે રાજનાથ ગૃહમંત્રી હતા, આજે તેઓ સંરક્ષણ મંત્રી છે. અમિત શાહના સમયમાં મણિપુર સળગી રહ્યું છે, દિલ્હી રમખાણો થયા, પહલગામમાં હુમલો થયો અને આજે પણ તેઓ ગૃહમંત્રી છે. શા માટે? દેશ જાણવા માંગે છે. પહલગામ હુમલો થયો, બધા એક થયા. જો ફરીથી આવું થાય, તો આપણે ફરીથી સાથે ઉભા રહીશું. જો દેશ પર હુમલો થાય તો આપણે બધા સરકાર સાથે ઉભા રહીશું. ઓપરેશન સિંદૂરમાં સેના બહાદુરીથી લડી.